મધ્યપૂર્વમાં તો અત્યારે યુદ્ધનો માહોલ જામેલો છે, તેવામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર યુદ્ધના મેદાને ઉતર્યાં છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે પણ છેલ્લા ઘણાં સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે, તે પૂર્ણ થતો જ નથી. પાકિસ્તાને ફરી એક વખત અફઘાનિસ્તાન પર મોટી એરસ્ટ્રાઈક કરી છે. અફઘાનિસ્તાને આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાને કાબુલ અને કંઘાર સહિત અનેક શહેરોને નિશાન બનાવીને હુમલો કર્યો છે. આ હુમલાના કારણે અનેક લોકોના ઘર ધ્વસ્ત થયાં છે, તો અનેક જગ્યાએ મહિલાઓ અને બાળકોના પણ મોત થયાં છે.
કાબુલ, કંધાર, પક્તિયા અને પક્તિકામાં થયો હવાઈ હુમલો
અફઘાન તાલિબાન સરકારે દાવો કર્યો છે કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલ, કંધાર, પક્તિયા અને પક્તિકામાં હવાઈ હુમલો એટલે કે એરસ્ટ્રાઈક કરી, જેમાં અનેક નાગરિકોના મોત થયાં છે. રમજાનના પવિત્ર મહિલાના અંતિમ દિવસોમાં પાકિસ્તાની સેના દ્વારા અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો તેના કારણે પાકિસ્તાનની આલોચના થઈ રહી છે. આ હુમલામાં અફઘાનિસ્તાનના અનેક લોકોના મોત થયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
અફઘાન તાલિબાનેબદલો લેવાની ધમકી આપી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાને કંધાર એરપોર્ટ પાસે એક ખાનગી એરલાઈન્સ કંપનીના કામ એરના ઇંધણ ડેપોને નિશાન બનાવવામાં આવ્યું છે. આ કંપની નાગરિક એરલાઇન્સ સાથે સાથે સંયુક્ત રાષ્ટ્રના વિમાનોને ઇંધણ સપ્લાય કરે છે. પાકિસ્તાની હવાઈ હુમલા બાદ અફઘાન તાલિબાન દ્વારા બદલો લેવાની ધમકી પણ આપવામાં આવી છે. તાલિબાને પાકિસ્તાન સામે મોટા હુમલાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.