Tue Oct 06 2026

Logo

ઓસ્કાર 2027 માટે ભારતની સત્તાવાર 'એન્ટ્રી': મરાઠી ફિલ્મ 'ગોંધળ' થઈ 'સિલેક્ટ'

2026-09-18 17:52:00
Author: Mumbai Samachar Team
ઓસ્કાર 2027 માટે ભારતની સત્તાવાર 'એન્ટ્રી': મરાઠી ફિલ્મ 'ગોંધળ' થઈ 'સિલેક્ટ'

મુંબઈ/લોસ એન્જલસઃ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ઓસ્કાર 2027 માટે મરાઠી ફિલ્મ 'ગોંધળ'ને ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. દેશભરની ૩૩ ફિલ્મ વચ્ચેની સ્પર્ધા થઈ હતી, જેમાં સંતોષ ડાવખરે દ્વારા દિગ્દર્શિત ગોંધળ ફિલ્મે બાજી મારી છે, જ્યારે સૌથી મહત્ત્વની વાત એ છે આ ફિલ્મે ફક્ત 84 લાખ રુપિયાની કમાણી કરી હતી.

મરાઠી ફિલ્મ 'ગોંધળ'ને ઓસ્કાર 2027 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે, એમ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આ વિશે મહત્ત્વની માહિતી આપી હતી. મહત્ત્વની વાત એ છે કે આ વર્ષે દેશની કુલ 33 ફિલ્મ ઓસ્કાર માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. કટ્ટર સ્પર્ધા વચ્ચે સિલેક્શન કમિટીએ ગોંધળને આગળ લઈ જવાનો નિર્ણય લીધો છે. હવે ફિલ્મનો આગામી પડાવ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની જગ્યા બનાવવાનો રહેશે.

મરાઠી ફિલ્મની એન્ટ્રીને કારણે પ્રાદેશિક ફિલ્મોનું પણ રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વ ઊભું થયું છે. ગોંધળ ફિલ્મના નિર્દેશક, લેખક અને નિર્માતા સંતોષ દવાખર છે. આ ફિલ્મ 14 નવેમ્બર 2025માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ટીઝર 'કાંતારા ચેપ્ટર 1' સાથે રિલીઝ થયું હતું. સાઉથના મહાન સંગીતકાર ઇલૈયારાજાએ આ ફિલ્મમાં સંગીત આપ્યું હતું. ફિલ્મએ માંડ 84 લાખની કમાણી કરી હતી.

કેવી છે આ ફિલ્મની કહાની?
સંતોષ ડાવખરે દ્વારા લખાયેલી અને નિર્દેશિત આ ફિલ્મ મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તાર પર આધારિત છે. આ ફિલ્મની કહાની એક નવપરિણિત કપલથી જોડાયેલી પારંપરિક રિવાજ ધરાવતી એક રાતની આસપાસ ફરે છે. સિલેક્શન કમિટીના ચેરમેન પી. શેષદ્રીએ જણાવ્યું કે ઓસ્કાર 2027 માટે 33 ફિલ્મોની યાદીમાં આ ફિલ્મને પસંદ કરવામાં આવી છે.

કેટલી ફિલ્મો સાથે સ્પર્ધા?
ઓસ્કારની 2027ની એન્ટ્રી માટે કુલ 33 ફિલ્મ સબમિટ કરવામાં આવી હતી, જેમાંથી 14 હિન્દીમાં હતી. મરાઠી, તેલુગુ અને ગુજરાતીમાં ચાર ચાર ફિલ્મો હતી. ત્રણ ફિલ્મો તમિલમાં અને એક એક ફિલ્મ મલયાલમ અને નાગામીઝ ભાષામાં હતી, જેમાંથી એક સાયલન્ટ ફિલ્મમાં પણ સામેલ હતી. જોકે અધિકૃત પ્રવેશ માટે 'ગોંધળ'ને પસંદ કરવામાં આવી હતી.  

'ગોંધલ'ને મળેલા એવોર્ડ્સ 
ફિલ્મ 'ગોંધળ'ને 56માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા(2025)માં બેસ્ટ ડાયરેક્ટર માટે સિલ્વર પીકોક એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મને 17માં બેંગ્લુરુ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (2026)માં FIPRESCI એવોર્ડ પણ મળ્યો હતો. પુણે ઈન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ (PIFF) 2026માં આ ફિલ્મે બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ સિનેમેટોગ્રાફર બંને એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મને 22માં થર્ડ આઈ એશિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. 

ગોંધળની કાસ્ટ અને ડાયરેક્ટર
મરાઠી ફિલ્મ ગોંધળના ડાયરેક્ટર સંતોષ દાવખરે છે, જ્યારે તેમની ફિલ્મની વાર્તા પણ લખી છે. ફિલ્મમાં કિશોર કદમ, ઈશિતા દેશમુખ, યોગેશ સોહોની અને નિષાદ ભોઈર મુખ્ય ભૂમિકામાં છે. એના સિવાય સુરેશ વિશ્વકર્મા, અનુજ પ્રભુ, માધવી જુવેકર, ઐશ્વર્યા શિંદે, કૈલાશ વાઘમારે, પૂનમ પાટીલ વગેરેનો સમાવેશ થાય છે. આ ફિલ્મને IMDb પર 8.9 રેટિંગ મળ્યા છે, જેનાથી સમજી લેજો કે ફિલ્મની સ્ટોરી શાનદાર હશે, જ્યારે ક્રિટિક્સે પણ ફિલ્મની પ્રશંસા કરી હતી. અહીં એ જણાવવાનું કે ગયા વર્ષે ભારતે ઓસ્કારમાં પોતાની અધિકૃત એન્ટ્રી તરીકે નીરજ ઘેવાનની કોરાના મહામારી પર બનેલી ફિલ્મ 'હોમબાઉન્ડ'ને પસંદ કરી હતી. જોકે, આ ફિલ્મ ફાઇનલ નોમિનેશન સુધી પહોંચી શકી નહોતી.