Sun May 03 2026

Logo

પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની નહિવત શક્યતા, OPEC+ વધારશે ક્રુડ ઓઈલનું ઉત્પાદન

2026-05-03 20:16:02
Author: Chandrakant Kanojia
Article Image

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના લીધે વિશ્વમાં ક્રૂડ ઓઇલના પૂરવઠાની અછતની સ્થિતી ઉભી થઇ હતી. તેમજ ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર કબજા બાદ અનેક દેશોમાં ક્રૂડ ઓઇલની સ્થિતી ગંભીર બની છે. જોકે, આગામી દિવસોમાં આ સ્થિતીને હળવી કરવા માટે ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહ  OPEC+ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના લીધે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા  નહિવત છે. 

પ્રતિ દિન ઉત્પાદનમાં આશરે 1,88,000  બેરલ વધારો 

આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂન મહિના માટે ઉત્પાદનમાં આશરે 1,88,000  બેરલ પ્રતિ દિવસ (bpd) વધારો કરવા માટે એક કરાર થઈ શકે છે. આ સતત ત્રીજો મહિનો હશે જેમાં  ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહે પુરવઠામાં વધારાની જાહેરાત કરશે.

તેની અસર હાલ મર્યાદિત રહેશે

જોકે, આ નિર્ણય હાલ મોટો લાગે છે. પરંતુ તેની અસર હાલ મર્યાદિત રહેશે. કારણ કે  યુએસ-ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં કબજાના લીધે ક્રૂડ ઓઇલની અવર જવર પર મર્યાદિત રહી છે. તેમજ જયા સુધી રૂટ પર જહાજોનું પરિવહન સામાન્ય નહિ થાય ત્યાં સુધી તેનો ફાયદોમાં બજારમાં જોવા નહિ મળે. 

OPEC+ ની બેઠકમાં સાત દેશો ભાગ લેશે

જેમાં રવિવારે યોજાનારી OPEC+ ની બેઠકમાં  સાઉદી અરેબિયા, ઇરાક, કુવૈત, અલ્જેરિયા, કઝાકિસ્તાન, રશિયા અને ઓમાન સહિત સાત દેશો ભાગ લેશે. યુએઇ તાજેતરમાં જૂથમાંથી નીકળી જવા છતાં  ઉત્પાદન વધારવા  પ્રતિબદ્ધ છે.

મુખ્ય ઉત્પાદક દેશોની નિકાસ  ખોરવાઈ

ઉલ્લેખનીય છે કે, 28  ફેબ્રુઆરીથી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. જેના પગલે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો જમાવીને ક્રૂડ  ઓઇલ અને એલપીજી જહાજોને રોકી દીધા છે. જેની અસર સમગ્ર વિશ્વના ક્રૂડ ઓઇલ પૂરવઠા પર પડી છે. તેમજ તેના લીધે સાઉદી અરેબિયા, ઇરાક, કુવૈત અને યુએઈ જેવા મુખ્ય ઉત્પાદક દેશોની નિકાસ  ખોરવાઈ છે. તેમજ  આ જ દેશો પાસે ઉત્પાદન વધારવાની ક્ષમતા હતી.

ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ભાવ ડોલર 125 ને વટાવી ગયો 

ક્રૂડ ઓઇલના પુરવઠો ખોરવાતા આ અઠવાડિયે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ભાવ ડોલર 125 ને વટાવી ગયો છે.   જે ચાર વર્ષની સૌથી મહત્તમ સપાટી છે. જેના લીધે  વિશ્વના અનેક દેશોની ચિંતામાં વધારો થયો છે. નિષ્ણાતોના મતે હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલે તો પણ સ્થિતી સામાન્ય થતાં મહિનાથી વધુનો સમય લાગી શકે તેમ છે.