Thu Jun 11 2026

Logo

નોર્વેના ફૂટબૉલર્સ માટે અમેરિકા પહોંચી ગઈ 300 કિલો માછલી, 116 કિલો ચીઝ અને 6,000 સંતરા

New York   2026-06-11 16:01:00
Author: Ajay Motiwala
Article Image

Image Credit : AP News


ન્યૂ યૉર્કઃ 23મા ફિફા વર્લ્ડ કપનો રોમાંચ શરૂ થઈ રહ્યો છે, તમામ 48 ટીમના ખેલાડીઓ અમેરિકા, કૅનેડા અને મેક્સિકોની ધરતી પર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પસીનો પાડી રહ્યા છે અને ભારે સંઘર્ષ માટે તૈયારી કરી રહ્યા છે ત્યારે 28 વર્ષના લાંબા સમયગાળા બાદ પહેલી વખત ફૂટબૉલના આ મહાકુંભ માટે ક્વૉલિફાય કરનારી નોર્વેની ટીમે પોતાની ફિટનેસ અને પ્રદર્શનમાં સુધારો કરવા એક અનોખું અને મોટું પગલું ભર્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ નોર્વેના ફૂટબૉલ અસોસિયેશને મૅન્ચેસ્ટર સિટીના સ્ટાર સ્ટ્રાઇકર અર્લિંગ હાલૅન્ડ, આર્સેનલના કૅપ્ટન માર્ટિન ઑડેગાર્ડ અને આખી ટીમ માટે પોતાના ઘરેલું સ્વાદને જાળવી રાખવા નોર્વે (Norway)થી 1,000 કિલોથી પણ વધુ પારંપારિક ભોજન (Food) સામગ્રી અમેરિકા પહોંચાડી દીધી છે.

આ પ્રચંડ ફૂડ શિપમેન્ટમાં 116 કિલો નોર્વેની પ્રખ્યાત `બ્રૂનોસ્ટ' ચીઝ, 300 કિલો લાલ માછલી અને 6,000 સંતરા સામેલ છે. આ ભોજન નોર્વેના ખેલાડીઓને અમેરિકામાં પૂર્ણપણે ફિટ રાખવામાં તેમ જ મૅચ દરમ્યાન ઊર્જાનું ઊંચુ સ્તર બનાવી રાખવામાં મદદરૂપ થશે.

નોર્વેની ટીમ છેલ્લે 1998માં વર્લ્ડ કપ રમી હતી. આટલા લાંબા સમય બાદ વાપસી કરી રહેલી આ ટીમનું મૅનેજમેન્ટનું માનવું છે કે વિદેશી ધરતી પર લાંબા સમય સુધી ચાલનારી ટૂર્નામેન્ટમાં ખેલાડીઓને ડાયટ માટે તથા માનસિક સ્વાસ્થ્ય બનાવી રાખવા ઘરેલું ભોજનની સામગ્રી ઉપલબ્ધ થાય એ ખૂબ જરૂરી છે. નોર્વેના ગ્રૂપ-આઇમાં ફ્રાન્સ, સેનેગલ અને ઇરાક પણ છે.