Sat Sep 12 2026

Logo

નોઇડાના શાહબેરી ફર્નિચર બજારમાં લાગી ભીષણ આગ, 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત

2026-08-14 11:59:00
Author: Vimal Prajapati
નોઇડાના શાહબેરી ફર્નિચર બજારમાં લાગી ભીષણ આગ, 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત

નોઇડા: નોઇડામાં આજે એક આગ લાગ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. નોઇડામાં ફર્નિચર બજારમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ લાગ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આગની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આગની આ ઘટના અને એક વરિષ્ઠ અધિકારી દ્વારા વિગતો આપવામાં આવી છે. આ ઘટના શાહબેરી ગામમાં આવેલ ફર્નિચર બજારમાં ઘટી છે. 

 ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો

ઘટનાની વિગતો આપતા ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે, આગ લાગ્યા બાદ દુકાનમાં બે લોકો ફસાયા હોવાની સૂચના મળી હતી. તે પછી ફાયર વિભાગ દ્વારા સત્વરે છ ગાડીઓ મોકલી દેવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ દુકાનમાં બે લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યાં હતા, જેથી તેમને સત્વરે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આમાંથી એક વ્યક્તિને તબીબો દ્વારા મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. 

આગ લાગ્યાનું કારણ હજી અકબંધ

એક વ્યક્તિની હાલત વધારે ગંભીર હોવાથી તેને દિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, આગ શા કારણે લાગી તેના વિશે હજી કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. અત્યારે આગ લાગ્યાનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે આગ લાગ્યાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા આસપાસના વિસ્તારને પણ સુરક્ષિત કરી દેવામાં આવ્યો હતો. આગ વધારે ફેલાય તે પહેલા જ કાબૂમાં લેવામાં આવી હતી.