Mon Oct 05 2026

Logo

નિતેશ રાણેએ ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધની વીએચપીની માંગનું કર્યું સમર્થન

2026-09-08 19:18:24
Author: Mumbai Samachar Team
નિતેશ રાણેએ ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધની વીએચપીની માંગનું કર્યું સમર્થન

મુંબઈઃ મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ રાજ્યમાં નવરાત્રિના 'ગરબા- દાંડિયા' કાર્યક્રમોમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની વિશ્વ હિન્દુ પરિષદની માંગનું સમર્થન કર્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આવા તહેવારો દરમિયાન "લવ જેહાદ"ના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળે છે.

ભાજપના નેતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જેઓ મૂર્તિપૂજામાં માનતા નથી તેમણે હિન્દુ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ નહીં. આવા ઉત્સવોમાં આવનારા લોકોએ પ્રવેશતા પહેલા પોતાની ઓળખની ચકાસણી કરાવવી જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

વીએચપી એ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે આગામી નવરાત્રી મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં 'ગરબા-દાંડિયા'ના કાર્યક્રમોમાં મુસ્લિમોને પ્રવેશ આપવામાં આવશે નહીં. સાથે જ, આયોજકો માટે 'માર્ગદર્શિકા' પણ જાહેર કરી હતી કે તેઓ સહભાગીઓના આધાર કાર્ડ ચકાસીને તેમની ઓળખની ખરાઈ કરે અને તેમના કપાળ પર 'તિલક' લગાવે. નવરાત્રિનો તહેવાર ૧૧ ઓક્ટોબરે શરૂ થશે.

આગામી ગણેશ ઉત્સવ દરમિયાન ડીજે સાઉન્ડ સિસ્ટમ્સ પર નિયંત્રણ મૂકવાની માંગ અંગે રાણેએ કહ્યું કે તમામ ધાર્મિક સરઘસો માટે નિયમો સમાન રીતે લાગુ કરવામાં આવવા જોઈએ. તેમણે વિપક્ષ દ્વારા હિન્દુ તહેવારો અને સનાતન ધર્મ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓની પણ આકરી ટીકા કરી હતી અને સવાલ કર્યો હતો કે માત્ર હિન્દુ પરંપરાઓ કે પ્રથાઓની જ ટીકા કેમ કરવામાં આવે છે,બીજા ધર્મોની ચર્ચા કેમ થતી નથી.