Mon Aug 17 2026

Logo

ઈઝરાયલે ટ્રમ્પનો 'ગાઝા પ્લાન' ફગાવ્યો: હમાસ શસ્ત્રો હેઠા નહીં મૂકે ત્યાં સુધી સેના નહીં હટે

Tel Aviv   2026-08-09 21:15:43
Author: Mumbai Samachar Team
Article Image

Alex Brandon/AP


તેલ અવીવઃ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 15-મુદ્દાના ગાઝા પ્લાનને નકારી દીધો છે. નેતન્યાહૂએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી હમાસ સંપૂર્ણપણે પોતાના હથિયારો છોડશે નહીં ત્યાં સુધી ઇઝરાયલની સેના ગાઝામાંથી પીછે હટ કરશે નહીં.

નેતન્યાહૂએ આજની કેબિનેટની બેઠકમાં જણાવ્યું હતું કે ઇઝરાયલ 15-મુદ્દાના દસ્તાવેજને માનશે નહીં. તેમણે કહ્યું હતું કે ઈઝરાયલ ગાઝામાંથી ત્યાં સુધી પાછળ હટશે નહીં જ્યાં સુધી તેની સંપૂર્ણ ખાતરી નહી જાય કે હમાસે તેના શસ્ત્રો છોડી દીધા છે.

ઇઝરાયલના વડા પ્રધાને કહ્યું કે ઈઝરાયલની સેના ત્યાં સુધી પાછળ હટશે નહીં જ્યાં સુધી હમાસના  હથિયારો સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય નહીં અને અમારી સેના અને નાગરિકોના ખતરાઓને નિષ્ફળ કરવાનું કામ યથાવત રહેશે."

આ પ્લાન ઓક્ટોબરમાં જાહેર કરાયેલા અમેરિકાના નેતૃત્વ હેઠળના યુદ્ધવિરામનો નવો તબક્કો છે જેનાથી ગાઝામાં ઇઝરાયલી લશ્કરી કાર્યવાહીમાં ઘટાડો થયો છે પરંતુ સંપૂર્ણપણે બંધ કરાઈ નથી. આ પ્રસ્તાવ હેઠળ હમાસને એક પ્રસ્તાવિત પેલેસ્ટિનિયન ગવર્નિંગ બોડીને પોતાના હથિયારો સોંપવા પડશે.

નેતન્યાહૂએ પણ પ્રતિજ્ઞા લીધી હતી કે ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં, પછી ભલે ઈરાન અમેરિકા સાથે કરાર કરે અથવા રાજદ્વારીથી કોઈ મોટો કરાર થાય. 

મીડિયા રિપોર્ટ અનુસાર નેતન્યાહૂએ કેબિનેટ બેઠકમાં કહ્યું હતું કે હું ફરી એકવાર ભારપૂર્વક જણાવું છું કે કરાર સાથે કે કરાર વિના જ્યાં સુધી હું વડા પ્રધાન છું ત્યાં સુધી ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો હોવા જોઈએ નહીં.

નેતન્યાહૂએ વારંવાર ઈરાન પર પરમાણુ શસ્ત્રો વિકસાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે ઈરાને તમામ આરોપોને ફગાવી દીધા છે. શુક્રવારે અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેહરાન અને મસ્કત વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે જેનાથી આશા જાગી છે કે હોર્મુઝ સ્ટ્રેટ આખરે ફરી ખુલી શકે છે અને તેલ નિકાસ ફરીથી શરૂ થઈ શકે છે.