Mon Oct 05 2026

Logo

આજે આટલું જ: કોણે ધર્મ બજાવ્યો/લજાવ્યો? કેટલો?

2026-09-27 09:00:00
Author: Shobhit Desai
આજે આટલું જ: કોણે ધર્મ બજાવ્યો/લજાવ્યો? કેટલો?

 

- શોભિત દેસાઈ

નઝીર અકબરાબાદી પાસે ધર્મથી ઉપરવટનો નીરક્ષીર વિવેક હતો, જે જગતમાં બહુ ઓછા, ભલે ભારે જ્ઞાની હોય, વિચાર-વાણી સમૃદ્ધોમાં નીરખવા મળે છે. ભારોભાર, છલોછલ ઈસ્લામિયતમાં ઉછરેલા આ મહાકવિ કૃષ્ણથી સમગ્ર પેણ અંજાયેલા જીવનભર રહ્યા અને કેવા રહ્યા! 1735થી 1830 સુધીનો 95 વર્ષનો દીર્ઘ આયુષ્યકાળ ભોગવનાર કવિએ ક મા મુનશી અને હરીન્દ્ર દવે સાથે ઊભા રહી શકે એવું સુદીર્ઘ કાવ્ય (नज्म) કૃષ્ણ ઉપર મૂક્યું છે એના માત્ર અંશ આ રહ્યા.

યારો સૂનો! દધિ કે લુટૈયા કા બાલપન
ઔર મધુપુરી નગર કે બસૈયા કા બાલપન
મોહન સપ નૃત્ય કરૈયા કા બાલપન
બન બન કે ગ્વાલ ગૌએં ચરૈયા કા બાલપન
ઐસા થા બાંસુરી કે બજૈયા કા બાલપન
ક્યા ક્યા કહું મૈ ક્રિશ્નકનૈયા કા બાલપન

ક્યા ઘુંટનિયોં કા ઉનકે મૈ ચલના બયાં કં!
યા મીઠી બાતેં મુંહસે નિકલના બયાં કં!
યા બાલકોંકી તરહસે પલના બયાં કં!
યા ગોદીયોંમેં ઉનકા મચલના બયાં કં!... યારો સૂનો!

થી ઉનકી ચાલ કી તો અજબ યારો ચાલ ઢાલ
પાંવોમેં ઘુંઘ બાજતે, સર પર ઝંડુલે બાલ
ચલતે ઠુમક ઠુમક કે જો વો ઝગમગાતી ચાલ
થામેં કભી જસોદા કભી નંદ લે સંભાલ... યારોં સૂનો!
મખ્ખનકી ચોરી કરતે, ગ્વાલિન આ ગઈ વહાં
ઔર ઉસને આ પકડ લિયા તો ઉસ સે બોલે: હાં...
મૈ તો તેરે દહીંકી ઉડાતા થા મખ્ખિયાં
ખાતા નહીં મેં ઉસકી નિકાલે થા ચૂંટીયાં... યારોં સૂનો!

એક રોઝ મુહમેં કાનને માખન ઝુકા દિયા
પૂછા જશોદાને તો વહીં મુંહ બના દિયા
મુંહ ખોલ તીનોં લોગ કા આલમ દિખા દિયા
એક આનમેં દિખા દિયા ઔર ફિર ભૂલા દિયા... યારોં સૂનો!

1979ની હિરો સાઈકલ્સની ડાયરીમાં અમે એક શબનમ નામની શાઈરાનો શેર વાંચેલો એ સ્મરણમાંથી તમારા સુધી પહોંચવા થનગની રહ્યો છે...

મૈં ભી રાધા સે કોઈ કમ તો નહીં હું `શબનમ'!
સાંવલે રંગ કા ઈક શખ્સ મુઝે પ્યારા હૈ!!!

ઓશોના પૂર્વગ્રહ પણ એમની સર્વોત્તમ વાણી જેટલા જ કડક. શ્રીરામ અને ગાંધીજી વિષેના ખાસ. શ્રીરામને અને તુલસીદાસને સાવ જ અલગ દૃષ્ટિથી અથવા એમને જોતી વખતે અલગ ચશ્માં પહેરી જોયા હોય એવું બની શકે. મને પોતાને હંમેશાં લાગ્યું છે કે જે માણસો સૂંઢીયા કિલ્લા જેવી અન્યને બિરદાવ્યા વિનાની જિંદગી જીવતા હોય એ બધા માણસ તરીકે ખૂબ ઓછા છે. મને આજે રાજા અકબરના દરબારના એક સંતની કક્ષાના શ્રીમંત રહીમ અને સંત તુલસીદાસ વચ્ચેનો અદ્ભુત સંવાદ યાદ આવે છે. એક બાજુ છે છંદશાસ્ત્રપ્રવીણ તુલસીદાસ અને બીજી બાજુ છે અજબ ગજબના સખાવતી શ્રીમંત દોહાપ્રવીણ રહીમ. રહીમનો રોજ સવારે આગલા દિવસે જે કાંઈ બચ્યું હો એ દાનમાં આપી નવા દિવસે નવું કમાવાનો નિયમ. તુલસીદાસ લટારે નીકળતાં સવારે રહીમના આવાસ બહાર મોટી ગીર્દી જુએ છે, ઊભા રહી જાય છે, દાનની પ્રક્રિયા જુએ છે, આંખમાં તો હર્ષાશ્રુ માતા નથી. દાન પ્રક્રિયા પૂરી થયા બાદ, તુલસીદાસ રહીમ નજીક સરે છે. રહીમ તુલસીને જોઈ ઉલ્લાસમાં આવી જાય છે, ચરણોમાં પડે છે, તુલસી રહીમને બેઠા કરે છે અને રહીમની આંખમાં આંખ પરોવી એટલું જ કહે છે:

`ઐસી દેની દેન જ્યૂં, કિત સીખે હો સેન? જ્યોં જ્યાં કર ઊંચે કરો, ત્યોં ત્યોં નીચે નૈન...'

(આવી આપવાની અદ્ભુત રસમ ક્યાંથી શીખ્યા સેન રહીમ! કે જેમ જેમ આપતાં તમારો હાથ ઊંચે જાય છે એમ એમ નયન નીચે ને નીચે જાય છે!) રહીમ જવાબ આપે છે.

દેનહાર કોઈ ઔર હૈ, દેવત હૈ દિન રૈન
લોગ ભરમ હમ પર કરેં, યાતે નીચે નૈન

(આપવાવાળો તો કોઈ ઔર છે જે દિવસરાત મોકલ્યા જ કરે છે, આ બધા લોકો શ્રેય મને આપે છે કે હું આપું છું એટલે મારી આંખો શરમની મારી નીચી નમી જાય છે)

 આવા તુલસીદાસનું અથવા એમની નજીક પહોંચતા સિવાયનું હિંદુત્વ અને આવા રહીમનું અથવા એમની નજીક પહોંચતા સિવાયનું મુસલમાનત્વ મારે શા કામનું?

આજે આટલું જ...