(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગયા અઠવાડિયા દરમિયાન મુંબઈના કોસ્ટલ રોડ પર બીએમડબલ્યુ કારને નડેલા અકસ્માત પછી આજે નવી મુંબઈમાં વધુ એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. નવી મુંબઈના બેલાપુર વિસ્તારમાં પારસિક હિલ પરથી એક કાર સીધી રેલવે ટ્રેક પર ખાબકતાં ચકચાર મચી ગઈ હતી, જેમાં ચાલકને ગંભીર ઈજા પહોંચી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
અકસ્માત અંગે પોલીસે જણાવ્યું હતું કે આ બનાવ આજે આજે બપોરના બન્યો હતો. બપોરના લગભગ 3.15થી 3.30 વાગ્યાની વચ્ચે બનેલી આ ઘટનામાં કારમાં સવાર 17 વર્ષીય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પારસિક હિલ પરથી નીચે પડેલી કાર પનવેલ-ઉરણ રેલવે રૂટના ટ્રેક પર આવીને પડી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેલવે પ્રશાસનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કારને રેલવે ટ્રેક પરથી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માત કેવી રીતે થયો અને ડ્રાઈવરની ચોક્કસ ભૂલ શું હતી તે અંગે તપાસ ચાલી રહી છે.
કાર સીધી રેલવે ટ્રેક પર ખાબકતાં પનવેલ-ઉરણ માર્ગની અપ અને ડાઉન બંને લાઇનની ટ્રેનસેવા પર ગંભીર અસર પડી હતી. સુરક્ષાના કારણોસર એક લોકલ ટ્રેનને પણ રોકવી પડી હતી. આ ઘટનાના પગલે હાર્બર લાઈનની લોકલ ટ્રેન સેવા ખોરવાઈ હતી અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ અકસ્માતમાં કારચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઈજાગ્રસ્ત થયેલો ચાલક 17 વર્ષનો સગીર હોવાની ચોંકાવનારી માહિતી છે. જોકે, તેનું નામ હજુ સુધી જાહેર થયું નથી. અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી.
A car plunged from Parsik Hill onto the railway tracks in Navi Mumbai. A 17-year-old minor driver was seriously injured, disrupting #localtrain services. Police and railway teams rushed to the spot and began clearing the track. #NaviMumbai #ParsikHill #CarAccident #Railway https://t.co/SOGHL8QD99
— Chetna Raja (@ChetnaRaja) September 24, 2026
રેલવે ટ્રેક પર પડેલી કારને દૂર કરવાની કામગીરી સાથે ટ્રેનનો ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પારસિક હિલ પરથી કાર રેલવે ટ્રેક પર કેવી રીતે આવી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે, એમ રેલવેએ જણાવ્યું હતું.
આ અકસ્માતમાં રેલવેને સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જ્યારે ટ્રેન વ્યવહારને પણ ગંભીર અસર થઈ હતી. દોઢ કલાક સુધી ટ્રેન વ્યવહાર ખોરવાયો હોવાથી નાગરિકોને પણ હાલાકી ભોગવવી પડી હતી. જોકે, પાંચ વાગ્યાના સુમારે ટ્રેન વ્યવહાર પૂર્વવત્ કરાયો હતો. આમ છતાં આ અકસ્માતમાં રેલ અધિનિયમની સંબંધિત ધારા હેઠળ ચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે્. એટલું જ નહીં એ નશામાં હતો કે એની પણ ઊંડી તપાસ કરવામાં આવશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે ગયા રવિવારે મહાલક્ષ્મી નજીક કોસ્ટલ રોડ પર કોઈ ફિલ્મી સીનના માફક બીએમડબ્લ્યુ કાર જમીન પર પટકાઈ હતી, જેમાં ત્રણ વિદ્યાર્થીનાં મોત થયા હતા, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી.