બુધવારના ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈમાં મોરબે મેઈન પાઈપલાઈન પરના વિવિધ કામ માટે નવી મુંબઈના જુદા જુદા વિસ્તારમાં મંગળવાર, છ ઑક્ટોબરથી બુધવાર, સાત ઑક્ટોબર સુધીના ૧૬ કલાક માટે પાણીપુરવઠો બંધ રાખવામાં આવશે. તેથી નવી મુંબઈના અનેક વિસ્તાર સહિત સિડકોના ખારઘર અને કામોઠે નોડમના પાણીપુરવઠાને પણ અસર થશે. કામ પૂર્ણ થયા બાદ બુધવારે ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.
નવી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવારના સવારના ૧૦ વાગ્યાથી બુધવારના મધરાતના બે વાગ્યા સુધીના સમયગાળામાં આ કામ કરવામાં આવવાના છે. ભોકરપાડા વોટર ફિલ્ટરેશન પ્લાન્ટના ૧૩.૫ મિલ્યન લિટર ક્ષમતાના પંપના ચેનલના કામ કરવા માટે એમ.એ. પ્લેટ બેસાડવા, નવી મીટરરિંગ કિઓસ્ક બેસાડવા તેમ જ મોરબે મેઈન પાઈપલાઈન પર ફ્લો મીટર બેસાડવાના કામ હાથમાં લેવામાં આવવાના છે.
ભોકરપાડા વોટર ફિલ્ટરેશન સેન્ટર પાસેના ૨,૦૫૦ મિલીમીટર વ્યાસના મોરબે મેઈન પાઈપલાઈન પર ફ્લો મીટર બેસાડવામાં આવવાનું છે. એ સિવાય સીબીડી સેકટર સાતમાં મોરબે પાઈપલાઈન પર ૧,૮૦૦ મિ.મી. વ્યાસના બટરફ્લાય વાલ્વ બેસાડવામાં આવવાના છે. વાશીના અરેંજા સર્કલ નજીક મોરબે મેઈન લાઈનને જોડનારી વિતરણ પાઈપલાઈન પર ૭૦૦ મિ.મી. વ્યાસનો તો મ્હાપેમાં ૯૦૦ મિ.મી. વ્યાસનો બટરફ્લાય બેસાડવામાં આવવાનો છે. આ કામને કારણે મેઈન પાઈપલાઈન પરનો પાણીપુરવઠો બંધ રાખવાનો પાલિકાએ નિર્ણય લીધો છે.
આ બંધને પરિણામે બેલાપુર, નેરુળ, વાશી, તુર્ભે-સાનપાડા, કોપરખૈરાણે, ઘણસોલી, ઐરોલીમાં પાણીપુરવઠાનેે અસર થશે. તેમ જ સિડકોના ખારઘર અને કામોઠે નોડનો પાણીપુરવઠો પણ બંધ રહેશે.
પાણીપુરવઠો પૂર્વવત્ થયા બાદ પણ બુધવારે સવાર અને સાંજના ઓછા દબાણ સાથે નાગરિકોને પાણી મળવાની શકયતા છે.