છોડી દેવા 1000 રૂપિયાની માંગી લાંચ, પુરાવા હટાવવા 14 વર્ષના સગીર પાસેથી ફોન છીનવવાનો પ્રયાસચેતના રાજા
મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન લાલબાગમાં બાપ્પાના દર્શન કરવા ગયેલા નવી મુંબઈના સાનપાડા વિસ્તારના એક પરિવાર સાથે કથિત રીતે પોલીસ દ્વારા મારપીટ અને દાદાગીરી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. સાનપાડાના રહેવાસી 39 વર્ષીય અશોક સુધાકર ધાકતોડે શનિવારે રાત્રે પત્ની, 18 વર્ષની પુત્રી સિદ્ધિકા અને 14 વર્ષના પુત્ર વિઘ્નેશ સાથે લાલબાગ દર્શન માટે ગયા હતા. અશોકે કરેલા આક્ષેપ મુજબ, ભારે ભીડને કારણે પરિવારના સભ્યો અલગ પડી ગયા હતા અને દર્શન માટે કઈ તરફ જવું તે અંગે પૂછપરછ કરતી વખતે એક પોલીસકર્મીએ તેમની સાથે હાથાપાઈ કરી હતી.
અશોકના જણાવ્યા મુજબ, તેમણે પોલીસકર્મીને વારંવાર પોતાનો ગુનો શું છે તે પૂછ્યું હતું, પરંતુ તેમની વાત સાંભળવાને બદલે પોલીસકર્મીએ તેમને અન્ય એક પોલીસકર્મીની મદદથી એક સ્ટેજ પર લઈ ગયા હતા. અશોકનો આક્ષેપ છે કે ત્યાં તેમના પુત્ર વિઘ્નેશનો મોબાઇલ ફોન છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેને થપ્પડ મારવાનો પણ પ્રયાસ થયો હતો. જોકે, તેમનો પુત્ર ત્યાંથી છટકી જવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન એક હવાલદારે તેમને છોડી દેવા માટે રૂ. 1,000 ની લાંચ આપવાની માંગ કરી હોવાનો પણ આક્ષેપ અશોકે કર્યો છે.
#Lalbaug family alleges police assault while seeking Bappa’s darshan, with a claim that ₹1,000 was demanded to let them go.
— Chetna Raja (@ChetnaRaja) September 20, 2026
Family also alleges an attempt to snatch their minor son’s phone; they have sought a CCTV investigation.#Mumbai #Ganeshotsav #Police #ViralVideo #News pic.twitter.com/xSGl46x3lW
અશોકે વધુમાં જણાવ્યું કે, બાદમાં તેમની પત્ની પણ ત્યાં પહોંચી હતી અને તેમને છોડવા માટે રડતાં વિનંતી કરી હતી. પરિવારની સામે થયેલી આ કથિત ઘટનાને કારણે તેઓ માનસિક રીતે ભારે આઘાતમાં હોવાનું તેમણે જણાવ્યું છે. અશોકના જણાવ્યા મુજબ, જ્યારે પરિવાર સાથે પણ કથિત રીતે દુર્વ્યવહાર થવા લાગ્યો ત્યારે તેમણે કોઈક રીતે ત્યાંથી બહાર છટકી જઈને પોતાનો બચાવ કર્યો હતો.
અશોકે સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત તંત્રને સીસીટીવી ફૂટેજની તપાસ કરવાની અપીલ કરી છે. તેઓ આ મામલે તપાસમાં સહકાર આપવા અને ન્યાય માટે જરૂરી તમામ કાર્યવાહી કરવા તૈયાર હોવાનું તેમણે જણાવ્યું છે. અશોકે આક્ષેપ કર્યો છે કે કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા પોલીસકર્મીઓ દ્વારા જો ખરેખર સત્તાનો દુરુપયોગ અને નિર્દોષ નાગરિક સાથે મારપીટ કરવામાં આવી હોય તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.
અશોકે પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે, પરિવાર સાથે બાપ્પાના આશીર્વાદ લેવા ગયેલા સમયે આવી કથિત ઘટના બનશે તેવી તેમણે કલ્પના પણ કરી નહોતી. પોલીસ નાગરિકોની સુરક્ષા માટે હોય છે, પરંતુ આ ઘટનામાં પોતે જ સૌથી વધુ અસુરક્ષિત અનુભવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. હવે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાની તપાસ બાદ સમગ્ર ઘટનાની હકીકત સામે લાવવામાં આવે તેવી માગ પણ અશોકના પરિવારે કરી છે.