Sun May 31 2026

Logo

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં યુવાનને 20 વર્ષની સખત કેદ

2026-05-31 18:49:27
Author: Yogesh C Patel
Article Image

થાણે: નવી મુંબઈમાં જાહેર નળ પર પાણી ભરવા ગયેલી 15 વર્ષની સગીરાને જબરદસ્તી ઘરમાં ખેંચી તેની સાથે દુષ્કર્મ કરવાના સાત વર્ષ અગાઉના કેસમાં વિશેષ અદાલતે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.બેલાપુરના એડિશનલ સેશન્સ જજ પરાગ સાનેએ વડાપાંઉના સ્ટૉલ પર કામ કરનારા ગોવિંદકુમાર હરિલાલ નિર્મલ (24)ને ભારતીય દંડ સંહિતાની કલમ 376(3) અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટની જોગવાઈઓ હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી નિર્મલને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 506 હેઠળ પણ બે વર્ષની સજા સંભળાવી હતી.

જુલાઈ, 2019માં દસમા ધોરણમાં ભણતી સગીરા ઘર પાસેના જાહેર નળ પર પાણી ભરવા ગઈ હતી. તે સમયે આરોપીએ સગીરાને પોતાના ઘરમાં ખેંચી લઈ તેના પર બળાત્કાર કર્યો હતો. આ રીતે આરોપીએ બે વાર દુષ્કર્મ આચર્યું હતું.ફરિયાદ પક્ષ અનુસાર બળાત્કાર વખતે સગીરાની ચીરો દબાવી દેવા માટે આરોપીએ સ્પીકર ફુલ વૉલ્યુમમાં ચાલુ રાખ્યું હતું. સગીરા ગર્ભવતી હોવાની જાણ થતાં તેના પરિવાર દ્વારા 2019ના ડિસેમ્બરમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

બચાવ પક્ષે દાવો કર્યો હતો કે આ સંબંધ સહમતીથી થયો હતો. જોકે કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે જાતીય હુમલાનો ભોગ બનેલી સગીરાની જુબાની વિશ્ર્વસનીય જણાય છે, જેથી આરોપીને દોષી ઠેરવવામાં આવે છે. (પીટીઆઈ)