નવી મુંબઈઃ નવી મુંબઈમા કાંદા-લસણના ભાવમા ધરખમ વધારો થયો છે, જ્યારે વાશી એપીએમસી માર્કેટમાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. જોકે, ગુણવત્તાવાળા કાંદા અને લસણના પુરવઠા પર અસર થઈ છે, જેથી અછત સર્જાઈ છે. છૂટક બજારમાં કાંદાના ભાવ 70 રૂપિયા અને લસણ 350 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યું છે, જેથી સામાન્ય જનતાની કસ્તુરી ગણાતા કાંદા પણ રસોડામાંથી ગાયબ થઈ રહ્યા છે.
વાશી સ્થિત એપીએમસીની બટાટા-ડુંગળી માર્કેટમાં ડુંગળીની મોટી આવક થઈ રહી છે, પરંતુ આ આવકમાં ખરાબ ગુણવત્તાવાળી ડુંગળીનું પ્રમાણ વધુ છે. તેના કારણે સારા ગુણવત્તાવાળી કાંદાના જથ્થાબંધ ભાવ સતત વધી રહ્યા છે. હાલમાં જથ્થાબંધ બજારમાં નંબર-1 ગુણવત્તાની ડુંગળીનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે, જ્યારે હલકી ગુણવત્તા કાંદા 10થી 20 રૂપિયા પ્રતિ કિલોના ઊંચા ભાવે વેચાઈ રહી છે. બીજી તરફ, છૂટક બજારમાં આ જ ડુંગળી 65થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
આ ભાવ વધારાને કારણે સામાન્ય ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું અને વધતા ભાવ લોકોને પરેશાન કરી રહ્યા છે. એપીએમસીની બટાટા-ડુંગળી માર્કેટમાં જથ્થાબંધ વેપાર કરતા વેપારીના જણાવ્યા અનુસાર, બુધવારે મહારાષ્ટ્રના નાશિક અને લાસલગાંવથી માર્કેટમાં ડુંગળીની 21,311 બોરી આવી હતી. આમાંથી મોટા ભાગની બોરીમાં ભીની અને ખરાબ થયેલી ડુંગળીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. જેના કારણે માર્કેટમાં કાંદાની અછત સર્જાઈ છે.
છૂટક બજારમાં લસણ 350 રૂપિયાએ કિલો
ગુણવત્તાવાળા કાંદાની અછતને કારણે સારી ગુણવત્તાની કાંદાના ભાવ સતત વધી રહ્યા છે. બુધવારે માર્કેટમાં મહારાષ્ટ્રની નંબર-2 ગુણવત્તાની ડુંગળી 45થી 48 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી, જ્યારે ભીની અને ડાઘવાળી ડુંગળી 10થી 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. વાશી સ્થિત એપીએમસીની બટાટા-ડુંગળી માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાથી લસણની આવકમાં પણ વધારો થયો છે. બુધવારે માર્કેટમાં લસણની 2,681 બોરી આવી હતી, જેમાં વિદેશથી આયાત કરાયેલા 50 ટન લસણનો પણ સમાવેશ થાય છે.
નફો કમાવવા માટે લસણની આયાત
ડુંગળીની જેમ લસણની ગુણવત્તા પણ ખરાબ જોવા મળી રહી છે. તેના કારણે સારી ગુણવત્તાવાળા લસણનો જથ્થાબંધ ભાવ 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. બુધવારે ઊટીથી આવેલા નંબર-1 લસણનો જથ્થાબંધ ભાવ 200થી 250 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. અગાઉ તેનો ભાવ 180થી 200 રૂપિયા પ્રતિ કિલો હતો.
તે જ સમયે ઊટીથી આવેલા નંબર-2 લસણનો જથ્થાબંધ ભાવ 150થી 170 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો, જ્યારે દેશી લસણનો ભાવ 140થી 160 રૂપિયા પ્રતિ કિલો સુધી રહ્યો હતો. ગુણવત્તાવાળા લસણની અછતને કારણે કેટલાક વેપારીઓ વધુ નફો મેળવવા માટે વિદેશમાંથી પણ લસણની આયાત કરી રહ્યા છે. આ આયાતી લસણનો જથ્થાબંધ ભાવ 150થી 200 રૂપિયા પ્રતિ કિલો છે.
માર્કેટના એક વેપારીએ જણાવ્યું હતું કે વરસાદને કારણે કાંદા અને લસણના પાકને નુકસાન થયું છે. તેના કારણે માર્કેટમાં સારી ગુણવત્તાની ડુંગળી અને લસણની અછત સર્જાઈ છે. ગુણવત્તા ખરાબ હોવાને કારણે સારી ગુણવત્તાની ડુંગળી અને લસણની માંગ વધી છે, પરિણામે જથ્થાબંધ બજારમાં બંનેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કાંદા અને લસણનો નવો પાક તૈયાર થાય ત્યાં સુધી તેમના ભાવમાં વધારો ચાલુ રહેવાની શક્યતા છે.