નાશિકઃ ભારતના અલગ અલગ રાજ્યના શહેરો-ગામડાઓ રખડતા કૂતરાઓના હુમલાઓના કિસ્સામાં વધારા થઈ રહ્યા છે, જે મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પણ ગાજ્યો હતો. રખડતા શ્વાનોની સમસ્યાને લઈને લોકો ઘણીવાર આકરા વિરોધ-પ્રદર્શનો પણ કરી ચૂક્યા છે. હાલમાં નાશિકના નિફાડમાં રખડતા કૂતરાઓના ત્રાસને કારણે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ના પદાધિકારીએ વિચિત્ર વિરોધ નોંધાવ્યો હતો. નગર પંચાયતના મુખ્ય અધિકારીના ટેબલ પર ગલુડિયાઓ મૂકીને સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો અને એનો વીડિયો પણ વાયરલ થયા પછી લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર મામલો મહારાષ્ટ્રના નાશિક જિલ્લાની પાસે આવેલા નિફાડ શહેરમાં બન્યો હતો. શહેરમાં રખડતા કૂતરાઓના હુમલા અને કરડવાની ઘટનાઓથી નાગરિકોમાં નારાજગી વધી રહી છે. રખડતા કૂતરાઓના મુદ્દે પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થવા મુદ્દે ઠાકરે જૂથથી જોડાયેલા શિવસેનાના પદાધિકારીઓએ અનોખો વિરોધ કર્યો હતો. નિફાડ નગરપંચાયતના મુખ્ય અધિકારી ધીરજ ભામરેની ઓફિસમાં તેમના ટેબલ પર ગલુડિયા છોડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈ નેતાઓ-કાર્યકરોને હરકતને પણ વખોડી હતી.
પ્રશાસન દ્વારા અવગણના
જાણકારી અનુસાર આ વિરોધ આંદોલન યુવા સેનાના જિલ્લા પ્રમુખ વિક્રમ રંધવેએ કાર્યકર્તાઓ સાથે મળીને કર્યો હતો. આ દરમિયાન નગર પંચાયતના મુખ્યધિકારીના ટેબલ પર રખડતા ગલૂડિયા છોડી દેવામાં આવ્યા હતા. આ સાથે મુખ્યધિકારીને નોટોના હાર પહેરાવવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. આંદોલન કરનારાઓએ નગર પંચાયત પ્રસાશન પર રખડતા કૂતરાઓ મુદ્દે આંખ આડા કાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
મુંબઈમાં પણ કૂતરાઓનો ત્રાસ
થોડા સમય પહેલા મુંબઈની હાઈરાઈઝ સોસાયટીમાં પાલતુ કૂતરાઓનો ત્રાસ જોવા મળ્યો હતો. લિફ્ટમાં એક કૂતરાએ બાળકો પર હુમલો કર્યો હતો. રખડતા કૂતરાએ બાળકીઓને બચકા ભરવાની કોશિશ કરતા ત્યાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મહિલા કૂતરાને કાબૂમાં કરવાના પ્રયત્નો કરવા લાગી હતી. થોડા સમય બાદ તેણે કૂતરાને પાછળ ખેંચી લેતા જીવ બચાવી લેવાયો હતો.