Fri Apr 24 2026

Logo

નાશિકમાં બીજા ‘ગૉડમૅન’ની ‘લીલા’ સામે આવી: મહેશગિરિ વિરુદ્ધ જાતીય શોષણની ફરિયાદ

2026-04-24 17:23:17
Author: Yogesh C Patel
Article Image

નાશિક: નાશિકના ‘ગૉડમૅન’ અશોક ખરાતનું પ્રકરણ ચર્ચામાં છે ત્યારે આ જ જિલ્લાના બીજા કથિત ગૉડમૅનની ‘લીલા’ સામે આવી છે. નાશિકના લાસલગાંવમાં મઠ ધરાવતા મહેશગિરિ વિરુદ્ધ 28 વર્ષની મહિલાએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ કથિત ગુનો 2024માં બન્યો હતો, પરંતુ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (એએનએસ)ના કાર્યકરોની સમજાવટ બાદ મહિલાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. મહિલાએ મહેશગિરિ ઉર્ફે મહેશ દિલીપ કાકડે (31) વિરુદ્ધ બુધવારે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ અનુસાર મહિલાને તેના અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ હતી. પરિણામે વડીલો તેને લાસલગાંવ નજીકના ધરણગાંવ ગામમાં આવેલા ‘પ્રતિ ગંગાપુર’ તરીકે જાણીતા મઠમાં લઈ ગયા હતા. તે સમયે પોતાનામાં દૈવીશક્તિ હોવાનો દાવો કરનારા મહેશગિરિએ મહિલા પર કરણી (બ્લૅક મૅજિક) કરવામાં આવી હોવાનું કહ્યું હતું. આ માટે વિધિ કરવાનું સૂચન મહેશગિરિએ કર્યું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે બાદમાં આરોપી મહિલાને વાંધાજનક મેસેજ મોકલવા લાગ્યો હતો. તેને નાશિકની એક લૉજમાં લઈ ગયો હતો, જ્યાં તેના પર જાતીય હુમલો કરાયો હતો. તે સમયે કાકડેએ મહિલાની અશ્ર્લીલ તસવીરો પાડી લીધી હતી અને બનેલી ઘટનાની ફરિયાદ કરી તો ખરાબ પરિણામ ભોગવવાં પડશે, એવી ધમકી આપી હતી.

આ પ્રકરણે એએનએસના કાર્યકરોની સમજાવટ પછી મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે લાસલગાંવ પોલીસે બુધવારની રાતે કાકડે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)