Fri Apr 24 2026

Logo

સ્કિઝોફ્રેનિયાથી પીડાતા સગીરે ‘રીલ’ જોઈને બહેનના ગળા પર છરી ફેરવી

2026-04-24 18:27:10
Author: યોગેશ સી પટેલ
Article Image

આઠ વર્ષની માસૂમે ત્રણ દિવસની સારવાર પછી હૉસ્પિટલમાં દમ તોડ્યો: સગીર વિરુદ્ધ ગુનો

થાણે: થાણે જિલ્લાના મુંબ્રા પરિસરમાં બનેલી એક ઘટનાએ સોશ્યલ મીડિયા પાછળ ઘેલાં બનેલાં બાળકોના વડીલોને વિચારતા કરી મૂક્યા છે. સ્કિઝોફ્રેનિયાથી પીડાતા 16 વર્ષના સગીરે મોબાઈલ ફોનમાં ‘રીલ’ જોઈને આઠ વર્ષની બહેનના ગળા પર છરી ફેરવી દીધી હતી. ગંભીર અવસ્થામાં હૉસ્પિટલમાં દાખલ કરાયેલી બાળકીનું સારવાર દરમિયાન ત્રીજે દિવસે મૃત્યુ થતાં પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

મળતી માહિતી અનુસાર આઠ વર્ષની બાળકી ભાઈ અને માતા-પિતા સાથે મુંબ્રામાં રહેતી હતી. બાળકીના પિતા શિક્ષક છે, જ્યારે ભાઈ સ્કિઝોફ્રેનિયાથી પીડાય છે. સ્કિઝોફ્રેનિયાથી પીડાતી વ્યક્તિની વિચાર કરવાની ક્ષમતા, ભાવના વ્યક્ત કરવાની પદ્ધતિ પૂર્ણપણે બદલાઈ જાય છે. જેવું વિચારે તેવું જ એ કરે. પરિણામે રીલ જોઈને તેનું અનુકરણ કરવાના પ્રયાસમાં આ ઘટના બની હોવાનું કહેવાય છે.

ઘટના 15 એપ્રિલની મધરાત બાદ બની હતી. જમીને પરિવાર સૂઈ ગયા પછી લગભગ બે વાગ્યાની આસપાસ બાળકી રડવા લાગી હતી. રડવાનો અવાજ સાંભળી ઊંઘમાંથી જાગેલાં માતા-પિતા ડઘાઈ ગયાં હતાં. દીકરીના ગળામાંથી લોહી વહી રહ્યું હતું અને બાજુમાં દીકરો હાથમાં લોહીથી ખરડાયેલી છરી સાથે બેઠો હતો. પિતા વઢતાં જ પુત્ર ઘરમાંથી બહાર દોડી ગયો હતો.
લોહીલુહાણ હાલતમાં બાળકીને પહેલાં નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે તેની હાલત નાજુક હોવાથી ડૉક્ટરે બાળકીને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. હૉસ્પિટલમાં બાળકી સારવાર હેઠળ હતી ત્યારે મુંબ્રા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

કહેવાય છે કે બાળકી વાત કરવાની સ્થિતિમાં ન હોવાથી પોલીસે શરૂઆતમાં એડીઆર નોંધ્યો હતો. દરમિયાન 19 એપ્રિલની સવારે 9.30 વાગ્યાની આસપાસ બાળકીનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે બાળકીના વડીલો ફરિયાદ નોંધાવવા તૈયાર નહોતા, પરિણામે પોલીસે જાતે જ ફરિયાદ નોંધી હતી.પ્રાથમિક પૂછપરછમાં પિતાએ પોલીસને કહ્યું હતું કે વિશ્ર્વાસમાં લઈ પુત્રને પૂછતાં ચોંકાવનારી જાણકારી મળી હતી. સગીરને મોબાઈલ ફોનમાં રીલ જોવાની આદત હતી. એક રીલમાં વ્યક્તિને તલવાર ફેરવતી જોઈ તે જ રીતે છરી ફેરવવાનો પ્રયાસ સગીરે કર્યો હતો. ભૂલથી છરી બહેનના ગળા પર ફરી વળી હતી, એવું સગીરે પિતાને કહ્યું હતું. સગીરની છેલ્લાં બે વર્ષથી સારવાર ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે.