Wed Sep 02 2026

Logo

50 વર્ષ બાદ નાસાનું ઐતિહાસિક મિશન લોન્ચ, 4 અવકાશયાત્રીઓ ચંદ્રની સફરે; માનવ ઇતિહાસનું સૌથી લાંબુ અંતર!

Washington DC   2026-04-02 08:55:00
Author: Devayat Khatana
50 વર્ષ બાદ નાસાનું ઐતિહાસિક મિશન લોન્ચ, 4 અવકાશયાત્રીઓ ચંદ્રની સફરે; માનવ ઇતિહાસનું સૌથી લાંબુ અંતર!

વોશિંગ્ટન: અવકાશ વિજ્ઞાનના ઈતિહાસમાં બુધવારનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયો છે, કારણ કે લગભગ 50 વર્ષના લાંબા વિરામ બાદ નાસાએ ફરી એકવાર માનવીને ચંદ્ર તરફ મોકલવાની દિશામાં મોટી સફળતા મેળવી છે. નાસાના મહત્વાકાંક્ષી 'આર્ટેમિસ-2' (Artemis 2) મિશન હેઠળ કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી નિર્ધારિત સમયે ચાર અવકાશયાત્રીઓને ચંદ્રની કક્ષા તરફ સફળતાપૂર્વક રવાના કરવામાં આવ્યા છે. આ મિશનમાં રીડ વાઇઝમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટિના કોચ અને જેરેમી હેનસનનો સમાવેશ થાય છે, જેઓ આશરે 10 દિવસની સફર દરમિયાન ચંદ્રની આસપાસ પ્રદક્ષિણા કરીને પૃથ્વી પર પરત ફરશે.

આ મિશનની સૌથી મોટી વિશેષતા એ છે કે એપોલો યુગ બાદ પ્રથમ વખત અવકાશયાત્રીઓ પૃથ્વીની નીચલી કક્ષાની બહાર નીકળીને ઊંડા અવકાશમાં મુસાફરી કરી રહ્યા છે. જોકે, આ દળ ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે નહીં, પરંતુ ચંદ્રની બીજી તરફના અંધારિયા ભાગમાંથી પસાર થઈને 'લૂનર ફ્લાયબાય' પૂર્ણ કરશે. આ સફર દરમિયાન ક્રૂ જ્યારે ચંદ્રની પેલે પાર હશે, ત્યારે તેઓ પૃથ્વીથી અંદાજે 4,50,000 કિલોમીટર દૂર હશે, જે માનવ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી લાંબુ અંતર કાપવાનો રેકોર્ડ પ્રસ્થાપિત કરશે.

ટેકનિકલ દ્રષ્ટિએ આ મિશનને માનવો સાથેની એક અત્યંત મહત્વપૂર્ણ ટેસ્ટ ફ્લાઇટ માનવામાં આવી રહી છે. ભલે આ લેન્ડિંગ મિશન નથી, પણ ઓરિયન સ્પેસક્રાફ્ટની લાઈફ સપોર્ટ સિસ્ટમ અને અન્ય અત્યાધુનિક ટેકનોલોજીનું પરીક્ષણ કરવું એ તેનો મુખ્ય હેતુ છે. આ મિશન દ્વારા નાસા એ સાબિત કરવા માંગે છે કે તેના નવા રોકેટ ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ ગ્રહ પર જનારા આગામી મિશન અને માનવીઓની સુરક્ષિત અવકાશ યાત્રા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

ઉલ્લેખનીય છે કે આ મિશનની સફળતા ઘણી અડચણો બાદ મળી છે. મૂળભૂત રીતે આ મિશન ફેબ્રુઆરીમાં ઉડાન ભરવાનું હતું, પરંતુ વારંવાર આવતી ટેકનિકલ ખામીઓ અને સમારકામની જરૂરિયાતને કારણે તેમાં વિલંબ થયો હતો. રોકેટને વિશ્લેષણ માટે હેંગરમાં પરત લઈ જવો પડ્યો હતો. જોકે, બુધવારે મિશનના સફળ લોન્ચિંગથી વૈજ્ઞાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.