Fri Sep 04 2026

Logo

આજે આટલું જ: રવીન્દ્રનાથ ટાગોર પરિવાર અને નંદલાલ બોઝ...

2026-08-16 09:02:00
Author: Shobhit Desai
આજે આટલું જ: રવીન્દ્રનાથ ટાગોર પરિવાર અને નંદલાલ બોઝ...

 

 

 

અવનિન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટેગોર, નંદલાલ બોઝ

 

- શોભિત દેસાઈ

 

અવનિન્દ્રનાથ ટાગોર એટલે રવીન્દ્રનાથના ભત્રીજા. આ તો થઇ એમની પ્રાથમિક ધ્યાનાકર્ષક ઓળખાણ. એમના ભાઇ ગગનેન્દ્રનાથ બેંગાલ સ્કૂલ ઓફ આર્ટના સ્થાપક અને ભારતની ચિત્રકામની દુનિયાના કેટલાં મોટા ગજાના ઘડવૈયામાંના બે, ખાસ કરીને અવનિન્દ્રનાથ, જેમ રવીન્દ્રનાથ દ્વારા ભારતનું રાષ્ટ્રગીત રચાયું એમ જ અવનિન્દ્રનાથ દ્વારા ભારતમાતાનું ચિત્ર સર્જાયું. ગગનેન્દ્રનાથ મોટા પેઇન્ટર હોવા ઉપરાંત મોટા કાર્ટૂનિસ્ટ પણ. હજુ ટાગોર પરિવારના બાકીના સભ્યોનો ઉલ્લેખ કરું તો આખી આજની કૉલમ નામ અને માહિતીમાં જ જાય.

 

આ અવનિન્દ્રનાથ એક ઉગતી સવારે એમના કાકાશ્રી રવીન્દ્રનાથ સાથે બેઠા છે ઘરના વરંડામાં અને પ્રવેશે છે એમનો પટ્ટશિષ્ય નંદલાલ બોઝ. વાત આગળ વધારતાં પહેલાં થોડુંક નંદલાલ બોઝ વિશે તમને જણાવું તો 1882થી 1966ના આયુષ્યકાળ દરમ્યાન નંદલાલ બોઝે ભારતના મોડર્ન આર્ટની શકલ સુરત બદલી નાખી. એમને સાંપ્રત કલાવૈભવના પ્રણેતા કહીએ તો જરાય વધુ પડતું નથી. નંદલાલ બોઝને અનુસરતાં જે આંતરરાષ્ટ્રીય ચિત્રકારો ભારતે જગતને આપ્યા એમના નામ અહીં મૂકીએ તો એમના `પગી'ઓ ઉપદ્રવ ઊભો કરે, એટલે જવા દઇએ. ટૂંકમાં આવા મહાન નંદલાલ બોઝ જે મહાનતર અવનિન્દ્રનાથનાં શિષ્ય હતા, એક સવારે ગુદેવ દર્શને આવી પહોંચે છે કૃષ્ણનું એક ચિત્ર લઇને. કોઇ પણ અતિશય ઉક્તિમાં ના પડું તો એટલું તો કહું જ કે ગયા જનમના બધા જ વર્ષનું એક સાથે પુણ્ય ચિત્રગુપ્તના ચોપડે જમા હોય ત્યારે આ જનમમાં કોઇક પળે આ ચિત્રનાં દર્શન થાય. રવિન્દ્રનાથ જેવા રવીન્દ્રનાથ ચિત્ર જોઇને અવાક્ થઇ જાય છે. અવનિન્દ્રનાથ ચિત્રને પોતાના હાથમાં લે છે, એક મિનિટ જુએ છે અને અપમાનજનક રીતથી ચિત્રનો ઘા કરતા કહે છે, `નંદલાલ તું આટલો નીચે ઊતરી ગયો છે? તને આ ચિત્ર મને બતાવતા કોઇ જ લાજશરમ આવી જ નહીં?! આવું ચિત્ર? અને એ પણ નંદલાલ બોઝનું ?! ... ના... આ ચિત્ર કરતાં તો કૃષ્ણાષ્ટમીના અવસરે બંગાળના ગામડાઓમાંથી બિચારા પટિયા જે ચિત્રો બનાવીને આઠ આઠ આનામાં હાવરાના પુલની આજુબાજુમાં બેસી વેચે છે એ ચિત્રો અનેક ગણાં સારાં... જા જઇને શિખ એમની પાસે, પછી આવજે.' નંદલાલ તો બિચારો ઢગલો થઇ જવાની અણી પર પહોંચી જાય છે. જેમ તેમ હિંમત એકઠી કરીને બહાર દોડી જાય છે. પાંચ મિનિટ મૌન... અને પછી રવીન્દ્રનાથ કહે છે : `આ બરાબર થયું? મને તો બહુ જ ગૌરવાન્વિત ચિત્ર લાગ્યું હતું. આટલું અપમાન? અને એ પણ એક ગુ દ્વારા?'

 

અવનિન્દ્રનાથ : `જાણ નથી આપને કે બીજા કોઇને પણ આ નંદલાલ એક યુગસર્જક ચિત્રકાર બનવાની શકયતા ધરાવે છે. હું ય જાણું છું કે ચિત્ર આજનું અતિશય સુંદર હતું. પણ મારે એને તારીફનો પંગુ બનાવીને એની પાંખો કાપી નથી લેવી. એટલો સમર્થ, ગરુડની ઊંચાઇએ ઊડી શકે એવો સમર્થ છે કે મારે એને 300-400 ફૂટની ઊંચાઇની કેદમાંથી બહાર કાઢવો છે. તમે જોતા જાવ...'

 

રવીન્દ્રનાથ જેવા રવીન્દ્રનાથ, સામર્થ્યનો ભંડાર બે ઘડી અવનિન્દ્રનાથ સાથે આંખમાં આંખ પરોવી નીચી નજરે નીકળી ગયા. આ તરફ કાળનાં વહાણા વાયા, કલાકોના દિવસો, દિવસોના મહિના અને મહિનાઓના વરસ થવા માંડયા. નંદલાલ વિશે કોઇને કશીય, કયાંયથી જરા પણ ભાળ ન મળે. અવનિન્દ્રનાથ પોતે અંદર અંદરથી ઢીલાઢબ થવા માંડયા કે કયાંક વધુ પડતી અપેક્ષાના આવેશમાં મારાથી કોઇ ભૂલ તો નથી થઇ ગઇ ને! અને એક દિવસ નંદલાલ ઠાકુરોના આવાસમાં પ્રગટે છે. 8 થી 10 કિલો વજન ઘટી ગયું છે, ગાલ અંદર બેસી ગયાં છે. દાઢી ઘટાટોપ વૃક્ષ જેવી થઇ ગઇ છે અને સીધો  અવનિન્દ્રનાથના પગમાં સૂઇ જાય છે. અવનિન્દ્રનાથ ચહેરાથી તો ઓળખી નથી શકતા, પણ સૂતેલા નંદલાલના હાથની આંગળીનો સ્પર્શ અવનિન્દ્રનાથનો અંગૂઠો અનુભવે છે અને ત્રાડ પાડે છે અવાજ ફાટી જાય એવડી શક્તિથી `નં... દ.. લા... લા..' નંદલાલને ઊભો કરે છે, નંદલાલ બાજુમાં પડેલા પોતાના થેલામાંથી બે ચિત્રો અવનિન્દ્રનાથના ચરણના સ્પર્શ કરાવી નતમસ્તકે ઊભા છે. અવનિન્દ્રનાથ એક આંખે ચિત્ર જોતાં જાય છે અને એક હાથે બીજી ધોધમાર રડતી આંખના આંસુ લૂછતાં જાય છે. ઘણા લાંબા સમય પછી, અવનિન્દ્રનાથ : `હું આ ક્ષણે વિશ્વના સર્વશ્રેષ્ઠ એક નહીં બે ચિત્રો જોઇ રહ્યો છું. આવા કૃષ્ણ જશોદા કે રાધાએ નથી જ જોયાં ' અને પછી નંદલાલ તરફ જોઇને કહે છે, `કયાં હતો તું આટલાં વરસ? ન અતો ન પતો !?' નંદલાલ કહે છે : આખા બંગાળના ગામડે ગામડે પટિયાઓ સાથે રહ્યો. એમની જીવનશૈલી અપનાવી, એમની કારમી ગરીબી ઓઢી અને બિછાવી અને રંગ વિશે થોડું ઘણું જાણતો થયો... પણ આ સર્વ બન્યું માત્ર અને માત્ર આપના થકી મને તૃપ્તિમાંથી કાઢીને આમ બહાર ફેંકયો ન હોત તો મારી કલા ધીમે ધીમે હ્રાસ પામી ગઇ હોત. આપ પાસેથી જ એ જાણયું કે પ્રાપ્તિ કરતાં અનેકગણું મહાત્મ્ય છે શોધનું.

 

ऊँ श्री गुरुवे नमः

 

આજે આટલું જ.