રાજકોટ: શહેરના કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ આવેલા સીતારામ પાર્કમાં રહેણાંક મકાનમાંથી બ્યુટીપાર્લર ચલાવતી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. ધારદાર હથિયારથી ગળું કાપી કરાયેલી ચકચારી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો હતો. પડોશમાં જ રહેતા અને કેટરિંગના વ્યવસાય અર્થે આવેલા ઉત્તર પ્રદેશના આગ્રાના બે સગા ભાઈઓએ જ લૂંટના ઇરાદે આ હત્યાકાંડ આચર્યો હોવાનો પર્દાફાશ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે બંને હત્યારા ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શું હતો મામલો
મૂળ જૂનાગઢના વંથલી તાલુકાના મોટા કાદલીયારા ગામના વતની અને હાલ કાલાવડ રોડ પર બાપા સીતારામ પાર્ક પ્લોટ નં. 83માં રહેતા ગીતાબેન કિશોરભાઈ વાંજા (ઉં.વ. 55) બ્યુટી પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત મોડીરાત્રે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી ધારદાર હથિયારના ઘા ઝીંકી તેમનું અડધું ગળું કાપી નિર્મમ હત્યા કરી નાખી હતી. આ બનાવ સંદર્ભે મૃતકના પતિ કિશોરભાઈ રવજીભાઈ વાંજાની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
કેવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ
પોલીસની વિવિધ ટીમોએ મૃતકના પતિ, બંને પુત્રો આશિષ અને જીતુ, સમાજના અગ્રણી સુરેશભાઈ તેમજ આસપાસના પડોશીઓની પૂછપરછ શરૂ કરી હતી. આ સાથે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસનો દોર આગળ વધારાયો હતો. આ દરમિયાન મૃતકની પડોશમાં રહેતા અને એક મહિના પહેલાં જ આગ્રાથી રાજકોટ કેટરિંગના કામે આવેલા બે સગા ભાઈઓની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસે તેમની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ પૂછપરછમાં આરોપી રામનરેશ હસમુખ જાટવ અને તેના ભાઈ સની હસમુખ જાટવે સમગ્ર ગુનાની કબૂલાત કરી લીધી હતી. આરોપી રામનરેશે વતનમાં બે લાખની લોન લીધી હોય, તે ચૂકવવા માટે પૈસાની તાતી જરૂર હતી. ગત 14મી તારીખે ગીતાબેન બહારથી ઘરેણાં પહેરીને ઘરે પરત આવ્યા હતા, જે આ બંને ભાઈઓએ જોઈ લીધા હતા અને તેમના ઘરમાં ચોરી કરવાનો મનસૂબો ઘડ્યો હતો. તા. 16-17મીની મધરાત્રે ગીતાબેન ઘરમાં એકલા હોવાની તક ઝડપી બંને ભાઈઓ રાત્રે ૨ વાગ્યે છરી લઈને ઘરમાં ઘૂસ્યા હતા. તેમણે ગીતાબેનને જગાડી પૈસાની માંગણી કરી હતી. જોકે ગીતાબેને પ્રતિકાર કરતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ છરીના ઘા ઝીંકી તેમનું ગળું કાપી ઘાતકી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ઘરમાંથી રોકડા રૂ. 40,000 ની લૂંટ ચલાવી બંને ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હત્યાકાંડ આચર્યા બાદ બંને આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે પોતાના લોહીવાળા કપડાં સળગાવી નાખ્યા હતા. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને હત્યામાં વપરાયેલી છરી તેમજ લૂંટ કરાયેલી રૂ. 40,000 રોકડ રકમ રિકવર કરવા માટે કાયદેસરની તજવીજ હાથ ધરી છે.