Tue Jun 23 2026

Logo

આરોગ્ય એક્સપ્રેસઃ સ્નાયુઓને કનડતો રોગ માયોસાઇટિસ...

2026-06-23 09:15:00
Author: Rajesh Yagnik
Article Image

 


રાજેશ યાજ્ઞિક

સામંથા રૂથ પ્રભુનું નામ કોણ નથી જાણતું? દક્ષિણની આ અભિનેત્રી ઉત્તર ભારતમાં પણ તેટલી જ જાણીતી છે. મોટાભાગે સેલિબ્રિટીઝ પોતાની બીમારી વિશે જાહેરમાં ખુલીને વાત કરતા અચકાય છે. જોકે સામંથાએ પોતાને થયેલી એક બીમારી વિશે જાહેરમાં જણાવ્યું હતું. એ બીમારીનું નામ છે, ક્રોનિક ડર્માટોમાયોસાઇટિસ (chronic dermatomyositis).


માયોસાઇટિસ (ઇન્ફ્લેમેટરી ઇડિયોપેથિક માયોપથી) એક એવો રોગ છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને આપણા સ્નાયુઓ પર હુમલો કરવા માટે પ્રેરે છે. તેના કારણે સ્નાયુઓમાં ક્રોનિક સોજો આવે છે. આ સોજો ક્રમશ: તમારા સ્નાયુઓને વધુને વધુ નબળા બનાવે છે. તે ક્યારેક સ્નાયુઓમાં દુખાવો ઊભો કરે છે.


આજકાલ, તબીબો માયોસાઇટિસને વધુ સચોટ તબીબી નામ, આઇડિયોપેથિક ઇન્ફ્લેમેટરી માયોપથી (આઇઆઇએમ) કહે છે. તબીબ કોઈપણ નામનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તે બંને એક જ સ્થિતિ છે. માયોસાઇટિસ સામાન્ય રીતે આપણા સ્નાયુઓને અસર કરે છે જેનો ઉપયોગ આપણે હલનચલન કરવા માટે કરીએ છીએ, ખાસ કરીને આપણા હાથ અને ખભા, જાંઘ અને હિપ્સ, પેટ અને કરોડરજ્જુ (પરંતુ આ ઓછું સામાન્ય છે).


નિષ્ણાતો હજુ સુધી આઇઆઇએમ શા માટે થાય છે, એ તારણ પર નથી આવી શક્યા અને કમનસીબે હજુ સુધી તેનો કોઈ ઈલાજ નથી! મોટાભાગે તબીબો જે લક્ષણોનો અનુભવ થઈ રહ્યો હોય તેની સારવાર કરે છે. કસરતો અથવા સ્ટ્રેચીસની પણ ભલામણ કરશે જે અસરગ્રસ્ત સ્નાયુઓને મદદ કરી શકે.


માયોસાઇટિસના પ્રકાર: માયોસાઇટિસના ઘણાં સ્વરૂપો છે, જેમાં સૌથી સામાન્ય છે; 

ડર્માટોમાયોસાઇટિસ (ડીએમ): ચહેરા, છાતી, ઘૂંટણ અને કોણી પર વિશિષ્ટ ચકામા સાથે સ્નાયુઓમાં સોજા થાય છે.


પોલીમાયોસાઇટિસ (પીએમ): સ્નાયુઓને સીધા લક્ષ્ય બનાવે છે, જેમાં લાક્ષણિક રેશિસ વિના નબળાઈનો અનુભવ થાય છે.


ઈન્ક્લુઝન બોડી માયોસાઇટિસ (આઇબીએમ): સામાન્ય રીતે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને અસર કરે છે, જેના કારણે હાથ- પગ (હાથ, આંગળીઓ અને નીચલા પગ) તેમજ ગળામાં પણ નબળાઈ આવે છે.


આ માયોસાઇટિસનું કારણ શું?: નિષ્ણાતો હજી નિશ્ચિતપણે આ રોગનું કારણ જાણતા નથી. તે પોતાની મેળે થઈ શકે છે. ક્યારેક, આરોગ્યના અન્ય કારણો તેને ઉત્તેજિત કરે છે કેમ કે, આઇડિયોપેથિક ઇન્ફ્લેમેટરી માયોપથી એક સ્વયંપ્રતિરક્ષા રોગ છે. તેમાં આપણી રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરને સુરક્ષિત કરવાને બદલે આકસ્મિક રીતે હુમલો કરે છે તેનું પરિણામ છે. તમારી રોગપ્રતિકારક શક્તિ આવું કેમ કરે છે તે સ્પષ્ટ નથી. 


જો તમને અન્ય સ્વયંપ્રતિરક્ષા રોગો હોય, તો તમને માયોસાઇટિસ થવાની શક્યતા વધુ છે, જેમકે, લ્યુપસ, રૂમેટોઇડ સંધિવા અથવા સ્ક્લેરોડર્મા. વાયરલ ચેપ થયા પછી પણ તમને માયોસાઇટિસ થઈ શકે છે. વાયરલ માયોસાઇટિસનાં કારણોમાં સામાન્ય શરદી, ઈન્ફલ્યુએન્ઝા (ફ્લૂ), એચઆઈવી અથવા કોવિડ-19.


માયોસાઇટિસનાં લક્ષણ: એનું  મુખ્ય લક્ષણ સ્નાયુઓની નબળાઇ છે, જે સ્પષ્ટ હોઈ શકે છે અથવા ફક્ત પરીક્ષણ દ્વારા જ શોધી શકાય છે. સ્નાયુઓમાં દુખાવો હોઈ શકે છે અથવા ન પણ થાય....


કેટલાક પ્રકારના માયોસાઇટિસમાં, જેમ કેડર્માટોમાયોસાઇટિસ અથવા પોલિમાયોસાઇટિસ, સ્નાયુઓની નબળાઇ સામાન્ય રીતે અઠવાડિયા કે મહિનાઓ વીતતા વધુ ખરાબ થાય છે. તે શરીરની બંને બાજુના મોટાં સ્નાયુ જૂથોને અસર કરે છે, જેમાં ગરદન, ખભા, હિપ્સ અને પીઠનો સમાવેશ થાય છે.
 

માયોસાઇટિસથી થતી નબળાઈ કોઈ સામાન્ય સમસ્યા નથી હોતી. તેને કારણે હલનચલન કરવું કે ઊભા રહેવું મુશ્કેલ પણ બની શકે છે.


ચહેરા, ગરદન અથવા હાથની પાછળ મોટાભાગે લાલ ચકામા, થાક, હાથની ત્વચા જાડી થવી જેવાં લક્ષણો ઉપરાંત ઘણીવાર ગળવામાં તકલીફ કે શ્વાસ લેવામાં તકલીફ પણ ઊભી થાય છે. વજન ઘટવું કે રાત્રે પરસેવો વળી જવો જેવાં લક્ષણો પણ જોવા મળે છે.


આ રોગની કોઈ ચોક્કસ સારવાર નથી, એટલે તબીબો દર્દી જણાવે એ લક્ષણો પ્રમાણે તેનો ઈલાજ કરે છે. તબીબ ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લેવાની પણ ભલામણ કરી શકે છે, જે અસરગ્રસ્ત સ્નાયુઓને લવચીક અને મજબૂત રાખવા માટે સ્ટ્રેચ અને કસરતો શીખવી શકે. યોગ્ય સારવાર સાથે, માયોસાઇટિસનાં લક્ષણો દૂર થઈ શકે છે.