Wed Jul 01 2026

Logo

મુન્દ્રામાં ખેતરોમાંથી ગેરકાયદે વીજ લાઈનો નાખવા મુદ્દે હોબાળો: ખેડૂતો અને કૉંગ્રેસ દ્વારા ટી-પોઇન્ટ પર ચક્કાજામ

2026-07-01 11:50:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ મુન્દ્રા તાલુકાના સ્થાનિક ખેડૂતોની સંમતિ વિના તેમના ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે હાઈટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઈનો નાખવાના વિરોધમાં  ખેડૂતો અને કૉંગ્રેસ દ્વારા ટી-પોઇન્ટ નજીક ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ આંદોલનના કારણે હાઈવે પર ટ્રકો અને અન્ય વાહનોની કતારો લાગી ગઈ હતી. જો કે, સંબંધિત કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મૌખિક અને લેખિત ખાતરી મળ્યા બાદ આશરે એક કલાકે ચક્કાજામ સમેટાયો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

મુન્દ્રા પંથકમાં ખેડૂતોના અધિકારો અને જમીનો પર બળજબરીથી થઈ રહેલા કામો અંગે લાંબા સમયથી અજંપાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે. ગત સાંજના અરસામાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો, કૉંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો રંગોલી ગેટ અને ટી-પોઇન્ટ વચ્ચેના મુખ્ય માર્ગ પર એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર બેસી ગયા હતા.

ભારે ગીચતા ધરાવતા આ ઔદ્યોગિક માર્ગ પર ચક્કાજામ થતાં જ થોડી જ મિનિટોમાં માલવાહક ટ્રકો અને વાહનોના પૈડાં થંભી ગયા હતા. ઘટનાની ગંભીરતાને પગલે પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક હળવો કરવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન મુન્દ્રા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ વિરમ સાંખરાએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, તાલુકાના ખેતરોમાંથી હાલમાં ૭૬૫ કેવીની બે હાઈટેન્શન વીજ લાઈનો પસાર થઈ રહી છે. પેટા ટ્રાન્સમિશન કંપનીઓ દ્વારા ખેડૂતોની કોઈપણ પ્રકારની મંજૂરી કે સંમતિ લીધા વિના ઊભા પાક વચ્ચે કામ કરવામાં આવી રહ્યું છે, જેનાથી ખેતીને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આ અન્યાય સામે અમે અગાઉ ગાંધીનગર સુધી સત્તાવાર રજૂઆતો કરી ચૂક્યા છીએ, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન લાવવામાં આવતા અંતે ખેડૂતોના હિત માટે અમારે રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરવાની ફરજ પડી છે.

ચક્કાજામના પગલે ઉચ્ચ કક્ષાએ દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન અદાણી ગ્રુપના વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક વિરોધ સ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂતો તેમજ કૉંગ્રેસના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો શરૂ કરી હતી. અધિકારીઓએ સ્થળ પર જ મૌખિક ખાતરી આપી હતી કે ખેડૂતોની સંમતિ વિના તેમની જમીન પર કોઈ બળજબરી કરવામાં નહીં આવે, તેમજ આ અંગે વહીવટી તંત્રની હાજરીમાં વિધિવત લેખિત આશ્વાસન પત્ર આપવામાં આવશે. આ ખાતરી બાદ ખેડૂતો શાંત પડ્યા હતા અને કલાક સુધી ચાલેલો ચક્કાજામ આટોપી લેવાયો હતો, જેથી ટ્રાફિક જામમાંથી વાહનચાલકોને મુક્તિ મળી હતી. 

(ઉત્સવ વૈદ્ય)