સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સરની કાર પર ગોળીબાર કરનારા આરોપીએ બબ્બે પિસ્તોલથી પોલીસ પર પણ ગોળીઓ છોડી: બે રહેવાસી જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબ્રામાં મળસકે તોફાની તત્ત્વોએ કરેલા અંધાધૂંધ ગોળીબારથી ગભરાટ ફેલાઈ ગયો હતો. બિઝનેસમૅન અને સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સરની કાર પર ગોળીબાર કરનારા આરોપીએ પછી બબ્બે પિસ્તોલથી પોલીસ ટીમ પર પણ ગોળીઓ છોડવા માંડી હતી. જોકે જીવસટોસટની કામગીરી બજાવનારી પોલીસ ટીમે ગલીઓમાં પીછો કરીને એક શૂટરને પકડી પાડ્યો હતો.
મુંબ્રા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ શાહબાદ ઉર્ફે શબ્બુ મુન્ના શમશાદ કુરેશી (28) તરીકે થઈ હતી. હાલમાં મુંબ્રાના મહાપે રોડ ખાતે રહેતા કુરેશીની અગાઉ દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. આઠ વર્ષ જેલમાં રહેલા કુરેશી વિરુદ્ધ દિલ્હી અને જાફરાબાદનાં ચાર પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ઘટનાની શરૂઆત શનિવારના મળસકે 4.50 વાગ્યાની આસપાસ થઈ હતી. આરોપી તેના સાથી સાથે ક્ધસ્ટ્રક્શનનો વ્યવસાય ધરાવતા સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર નદીમ મોઈનુદ્દીન ખાન ઉર્ફે બાબા ખાન (45) રહે છે એ મુંબ્રા-કૌસા સ્થિત સોસાયટીમાં ગયો હતો. ખાનના ઘર બહાર પિસ્તોલમાંથી હવામાં એક રાઉન્ડ ફાયર કર્યા પછી બે રાઉન્ડ ખાનની કાર પર ફાયર કર્યા હતા. ગોળીબાર પછી બન્ને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
દરમિયાન ગોળીબારની માહિતી મળતાં મુંબ્રા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક પૂછપરછ અને પંચનામું ચાલતું હતું ત્યારે ગોળીબારમાં સંડોવાયેલા આરોપી મુંબ્રાની આચાર ગલીમાં હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે એપીઆઈ સાવંત ટીમ સાથે આચાર ગલી તરફ રવાના થયા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસની ટીમ પહોંચી ત્યારે આરોપી કુરેશી ભંગારના એક ગોદામમાં હતો. પોલીસે શરણે આવવાનું કહેતાં આરોપીએ બન્ને હાથમાં બે પિસ્તોલ પકડી એપીઆઈ સાવંતની ટીમ પર ગોળીબાર કરવા માંડ્યો હતો. ગોળીબારના અવાજથી રહેવાસીઓ ગોદામ નજીક એકઠા થઈ ગયા હતા. ભીડનો લાભ ઉઠાવી આરોપી હવામાં ફાયરિંગ કરતો ગોદામમાંથી બહાર નીકળી નજીકના એક ગાળા તરફ દોડ્યો હતો.
ગાળા પાસે ઊભા રહીને આરોપીએ ફરી પોલીસ ટીમ અને રહેવાસીઓની ભીડ તરફ ગોળી છોડવા માંડી હતી. આરોપીને ડરાવવા એપીઆઈ સાવંતે તેની તરફ પિસ્તોલ તાણી હતી, પરંતુ રહેવાસીઓમાંથી કોઈને ઇજા ન થાય તે માટે વળતો ગોળીબાર કર્યો નહોતો. ગાળા પાસેથી આરોપી એક ગલીમાં દોડ્યો ત્યારે પોલીસની ટીમ અને રોષે ભરાયેલા રહેવાસીઓએ તેનો પીછો કર્યો હતો. દોડતાં દોડતાં આરોપીએ પીછો કરનારા લોકો પર ફાયર કર્યું હતું, જેને પગલે એક રહેવાસીના પેટમાં અને બીજાના હાથમાં ગોળી વાગી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
જખમીઓને તાત્કાલિક તબીબી મદદ પૂરી પાડવા પોલીસ ટીમના અમુક કોન્સ્ટેબલ રોકાયા ત્યારે એપીઆઈ સાવંતે બે કોન્સ્ટેબલ અઝીઝ તડવી અને અજિંક્ય મહાડિક સાથે કુરેશીનો પીછો કર્યો હતો. અલગ અલગ ગલીઓમાંથી દોડતા કુરેશી સુધી આખરે પોલીસની ટીમ પહોંચી હતી. પાછળથી ધક્કો મારી કુરેશીની જમીનસરસો કરી કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો.
સાવંતના દબાણથી કુરેશીના એક હાથમાં પિસ્તોલ છૂટી ગઈ હતી, જ્યારે બીજા હાથે પકડેલી પિસ્તોલથી તેણે ગોળીબારનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની ટીમ અને ગિન્નાયેલા રહેવાસીઓ તૂટી પડતાં કુરેશી નરમ પડ્યો હતો. લોકોના ટોળાએ બામ્બુ અને લોખંડના સળિયાથી ફટકારતાં કુરેશી પણ ઘવાયો હતો.
જખમીઓને સારવાર માટે કાળસેકર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરોપી પાસેથી બે પિસ્તોલ, ચાર કારતૂસ અને ચાર મૅગેઝિન જપ્ત કરવામાં આવી હતી. આ આખી ધમાલમાં આરોપીએ 12 રાઉન્ડ ફાયર કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. ગોળીબાર પાછળનો ઉદ્દેશ તાત્કાલિક જાણી શકાયો નહોતો. પોલીસે કુરેશીના ફરાર આરોપીની શોધ હાથ ધરી સોશ્યલ ઈન્ફ્લુએન્સર ખાનના નિવાસસ્થાન બહાર કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો.