Thu Sep 10 2026

Logo

પોલીસ દળમાં વેતન કૌભાંડ: રિટાયર્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ધરપકડ

2026-08-12 19:10:00
Author: Yogesh D. Patel
પોલીસ દળમાં વેતન કૌભાંડ: રિટાયર્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ધરપકડ

મુંબઈ: મુંબઈ પોલીસ દળ સાથે સંકળાયેલા 6.5 કરોડ રૂપિયાના વેતન કૌભાંડ સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચે રિટાયર્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર રામકિસન ગોસ્વામીની ધરપકડ કરી હતી. 2023માં સેવામાંથી નિવૃત્ત થયેલા ગોસ્વામીને ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને 17 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

મુંબઈ પોલીસની નોર્થ રિજન ઓફિસમાંના પોલીસ ઇન્સ્પેક્ટરની ફરિયાદને આધારે સમતાનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ પાંચ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જેમાં આરોપી તરીકે રામકિસન ગોસ્વામી સહિત નાગેશ તળવડેકર, વિજય ચવાણ, અજય રાઠોડ અને અમોલ મેશ્રામનો સમાવેશ છે. આ કેસમાં ગોસ્વામીની ધરપકડ કરાઇ હોઇ અન્ય ચાર જણની ભૂમિકા તપાસવામાં આવી રહી છે. કથિત છેતરપિંડી કેવી રીતે કરાઇ હતી અને ભંડોળ કેવી રીતે વળવામાં આવ્યું હતું, તેની પણ તપાસ ચાલી રહી છે.

આરોપીઓમાંથી વિજયા અશોક ચવાણ અને અમોલ મેશ્રામને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. મરોલના લોકલ આર્મ્સ વિભાગની ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ વિજયા ચવાણ તેમ જ વેસ્ટર્ન રિજનલ ડિવિઝનમાં ફરજ બજાવતો અમોલ મેશ્રામ કથિત ગેરરીતિ આચરાઇ ત્યારે નોર્થ રિજન ડિવિઝનમાં ફરજ બજાવતા હતા. 

તપાસમાં જાણવા મળ્યું હતું કે પોલીસ દળમાં ફરજ બજાવતી ન હોય એવી વ્યક્તિઓને પોલીસ અધિકારી દર્શાવીને તેમના બૅંક ખાતાંમાં દર મહિને પગાર જમા થતો હતો. આ બાબતે શંકા જતાં ઑડિટ કરાયું હતું, જેમાં 2019 અને 2020માં અમુક મહિનાઓના પગારની રકમમાં મોટો તફાવત જણાયો હતો.