મુંબઈઃ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર અને દેશભરમાં હાલ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. સામાન્ય નાગરિકો પોતાના પરિવાર સાથે પંડાલ અને ઘરોમાં બાપ્પાની ભક્તિમાં લીન છે, ત્યારે મુંબઈગરાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મુંબઈ પોલીસના હજારો જવાનો રસ્તા પર ચોવીસે કલાક ખડેપગે તહેનાત છે. તહેવારના દિવસોમાં પરિવારથી દૂર રહીને 'પહેલાં કર્તવ્ય'ના સંકલ્પ સાથે ફરજ બજાવતા ખાખી વર્દીધારી જવાનો સાથે જોડાયેલી એક અત્યંત હૃદયસ્પર્શી ઘટના સોશિયલ મીડિયા પર સામે આવી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે ભારે ભીડ અને દોડધામ વચ્ચે ફરજ પર હાજર બે પોલીસ જવાનો પાસે એક નાનકડો બાળક પહોંચ્યો હતો. બાળકની નિર્દોષતા, આદર અને સ્નેહભર્યા અંદાજે બંને કડક શિસ્ત ધરાવતા જવાનોનો તમામ થાક પળભરમાં દૂર કરી દીધો હતો.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનકડો ભૂલકો સુરક્ષામાં ઊભેલા પોલીસકર્મીઓ પાસે પહોંચે છે. તેણે પહેલાં તો પૂરા સન્માન સાથે શાનદાર સેલ્યુટ (સલામી) કરી હતી. વીડિયોમાં આગળ જોવા મળે છે કે બાળક મુંબઈ પોલીસના બંને પોલીસ જવાનોના પગ સ્પર્શીને આશીર્વાદ લીધા હતા અને મુશ્કેલ પરિસ્થિતિમાં તેમની રક્ષા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આટલું જ નહીં, બાળકે બંને જવાનોના વ્હાલથી ઓવારણાં (નજર ઉતારી) લઈને તેમનું કલ્યાણ ઈચ્છ્યું હતું.
બાળકે પોતાની આંગળીઓ જોડીને જ્યારે અત્યંત ક્યૂટ શૈલીમાં 'કોરિયન ફિંગર હાર્ટ' (Korean Heart) બનાવ્યું, ત્યારે સખત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તણાવમાં રહેલા બંને જવાનોના ચહેરા પર એક અદ્ભુત અને ખુશીભર્યું સ્મિત રેલાઈ ગયું હતું.
ફરજના અતિશય ભારણ અને તણાવ વચ્ચે બાળકના આ નિર્દોષ વર્તને જવાનોને ભાવુક કરી દીધા હતા. આ અનોખી ક્ષણે સાબિત કરી દીધું કે કડક ખાખી વર્દીની પાછળ પણ એક સંવેદનશીલ, લાગણીશીલ અને પ્રેમાળ હૃદય ધબકતું હોય છે.
ગણેશોત્સવની સુરક્ષામાં ખડેપગે રહેતી મુંબઈ પોલીસ અને આ નાનકડા બાળકની અનોખી કેમિસ્ટ્રી દર્શાવતો આ વીડિયો ઈન્ટરનેટ પર જોતજોતામાં વાઈરલ થઈ ગયો છે. નેટીઝન્સ બાળકના સંસ્કાર અને પોલીસ જવાનો પ્રત્યેના તેના પ્રેમના મુક્તમને વખાણ કરી રહ્યા છે, જ્યારે પોલીસ જવાનોના સમર્પણને પણ સોશિયલ મીડિયા પર સલામી આપવામાં આવી રહી છે. તમે પણ આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...