Tue Oct 06 2026

Logo

બાન્દ્રા-નાલાસોપારાથી 13 બાંગ્લાદેશી પકડાયા: બોગસ આધાર-પૅન કાર્ડ્સ જપ્ત

2026-10-02 19:17:54
Author: Yogesh C. Patel
બાન્દ્રા-નાલાસોપારાથી 13 બાંગ્લાદેશી પકડાયા: બોગસ આધાર-પૅન કાર્ડ્સ જપ્ત

ચાર આરોપીને અગાઉ કાનૂની પ્રક્રિયા પૂરી કરી બાંગ્લાદેશ રવાના કરાયા હતા, પરંતુ ફરી ગેરકાયદે માર્ગે ભારતમાં પ્રવેશ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રા અને નાલાસોપારામાં કાર્યવાહી કરી પોલીસે ભારતમાં ગેરકાયદે રહેતી સાત મહિલા સહિત 13 બાંગ્લાદેશીને પકડી પાડ્યા હતા. પકડાયેલામાંથી ચાર જણને કાનૂની પ્રકિયા પૂર્ણ કરી અગાઉ બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા હતા, પરંતુ ફરી ગેરકાયદે તેમણે ભારતમાં પ્રવેશ કર્યો હતો. બાંગ્લાદેશીઓને ભારતમાં લાવનારા એજન્ટ પાસેથી બોગસ આધાર-પૅન કાર્ડ્સ સહિતના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ખાર અને જૂહુ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા હતા. ખાર પોલીસની ટીમ 29 સપ્ટેમ્બરની બપોરે પેટ્રોલિંગ પર હતી ત્યારે બાન્દ્રા ટ્રાફિક ચોકી નજીક એસ. વી. રોડ પર ઊભેલી ત્રણ મહિલા સહિત છ જણ પર શંકા જતાં પોલીસે તેમની પૂછપરછ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તે બાંગ્લાદેશી નાગરિક હોઈ ભારતીય નાગરિકત્વના તેમની પાસે કોઈ દસ્તાવેજો નહોતા.

પકડાયેલા આરોપીમાં ઈકબાલ અકબર અલી શેખ ઉર્ફે ગૌતમ સુનીલ દત્તા (35), રાણા મોલ્લા ઉર્ફે રાણા શાહ (20), સમીમ મિઝાનૂર સરદાર ઉર્ફે રાજુ નરેન્દ્ર (25), મોસમદ મુંજિલા ખાતૂન ઉર્ફે રિયા દત્તા (23), માફુઝા અખ્તર લિમા કાઝી ઉર્ફે કવિતા શાહ (25) અને હલિમા અખ્તર ખાન ઉર્ફે મોનિકા દત્તા (26)નો સમાવેશ થાય છે. બાંગ્લાદેશનો વતની ઈકબાલ છેલ્લાં પાંચ વર્ષમાં ભારતમાં અનેક વાર ગેરમાર્ગે આવ-જા કરી ચૂક્યો છે. 

બાંગ્લાદેશીઓને ભારતમાં લાવ્યા પછી તેમને નોકરી અને રહેઠાણ વ્યવવસ્થા પણ ઈકબાલ કરી આપતો હતો. પકડાયેલા પાંચેયને તેણે મીરા-ભાયંદરમાં રહેઠાણની સગવડ કરી હતી. આરોપીના મોબાઈલ ફોનમાં વિવિધ નામનાં 40 આધાર કાર્ડ, પૅન કાર્ડ તેમ જ અન્ય ઓળખપત્રો, મહિલાઓની તસવીરો, ક્યૂઆર કોડ, રેલવેની ટિકિટો અને અન્ય ડિજિટલ માહિતી હોવાનું તપાસમાં જણાયું હતું.

એ સિવાય ઘરમાંથી પણ 20 આધાર કાર્ડ મળી આવ્યાં હતાં. પકડાયેલામાંથી ચાર આરોપી અગાઉ ભારતમાં ગેરકાયદે વસવાટ કરતાં પકડાયા હતા. કાનૂની પ્રક્રિયા પછી તેમને બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા હતા. જોકે ચારેય ફરી ભારતમાં કઈ રીતે પ્રવેશ્યા તેની તપાસ પોલીસ કરી રહી છે.જૂહુ પોલીસે માહિતીને આધારે નાલાસોપારા પૂર્વમાં મોરેગાંવ તળાવ પરિસરમાં આવેલા એક ઘરમાં ગુરુવારે સર્ચ હાથ ધરી હતી. ઘરમાંથી ચાર મહિલા અને બે બાળક સહિત સાત બાંગ્લાદેશીને તાબામાં લેવાયા હતા. તપાસમાં સાતેય જણ બાંગ્લાદેશના નોરાઈલ જિલ્લાના પુથીમારી ગામના વતની હોવાનું જણાયું હતું. તેમની પાસેથી ભારતમાં વસવાટના કોઈ અધિકૃત દસ્તાવેજો મળ્યા નહોતા. પરિણામે જૂહુ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.