રાજ્યમાં અમરાવતી ૩૯.૮ ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ, થાણે અને પાલઘરમાં સતત બીજા દિવસે દિવસનું તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસને વટાવી જતા આખરે હવામાન વિભાગે ગુરુવારે મોસમની પહેલી હીટવેવની ચેતવણી જાહેર કરી હતી. ગુરુવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન૩૮.૯ ડિગ્રી નોંધાયું હતું, જે એક દિવસ પહેલા ૩૮.૭ ડિગ્રી હતું. એ સાથે જ ગુરુવારનો દિવસ ચાલુ મોસમમાં અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. રાજ્યમાં વિદર્ભંમાં પણ ગરમી કાળો કેર વતાર્વી રહી છે. વિદર્ભના અમરાવતીમાં ૩૯.૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
મુંબઈમાં સતત બીજા દિવસે ગરમી અને ઉકળાટ જણાયો હતો. ચામડી દઝાડે એવો આકરો તડકો રહ્યો હતો. હીટવેવની ચેતવણી જાહેર કરવા માટે સતત બે દિવસ ૩૭ ડિગ્રીની ઉપર તાપમાન નોંધાવું જોઈએ. આ માપદંડો ગુરુવારના તાપમાન બાદ પૂર્ણ તથા હવામાન ખાતાએ ગુરુવારે હીટવેવની ચેતવણી જારી કરી હતી. નિષ્ણાતના જણાવ્યા મુજબ બુધવારે મુંબઈમાં ભારે ગરમી અને વાતાવરણમાં ભેજ હતો અને મુંબઈ પર હીટવેવની ચપેટમાં હતું, છતાં હવામાન વિભાગના નિર્ધારિત માપદંડોને કારણે હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી નહોતી.
ગુરુવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૮.૯ ડિગ્રી હતું, જે સામાન્ય કરતા ૫.૯ ડિગ્રી વધુ હતું. આ દરમ્યાન કોલાબામાં મહત્તમ તાપમાન ૩૬.૨ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા ૩.૪ ડિગ્રી વધુ હતું. મહત્તમની સાથે જ લઘુતમ તાપમાન પણ ઊંચુ રહ્યું હતું. ગુરુવારે કોલાબા અને સાંતાક્રુઝમાં અનુક્રમે ૨૪ અને ૨૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો કોલાબા અને સાંતાક્રુઝમાં ભેજનું પ્રમાણ અનુક્રમે પંચાવન ટકા અને ૫૯ ટકા રહ્યો હતો.
માર્ચ મહિનાનો ઓલટાઈમ હાઈએસ્ટ
ગુરુવારના ૩૮.૯ ડિગ્રી તાપમાન સાતે જ મોસમનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. મુંબઈમાં માર્ચ મહિનામાં જોકે ઓલટાઈમ ગરમીનો રેકોર્ડ ૨૮ માર્ચ, ૧૯૫૬ના નોંધાયો હતો. એ દિવસે મુંબઈમાં ૪૧.૭ ડિગ્રી જેટલો ઊંચો પારો નોંધાયો હતો. તો ૨૦૨૫માં ૧૨ માર્ચના ૩૯.૨ ડિગ્રી, ૨૦૨૪ના ૨૨ માર્ચના ૩૮.૮ ડિગ્રી, ૨૦૨૩ના ૧૩ માર્ચના ૩૯.૪ ડિગ્રી, ૨૦૨૦ના ૧૫ માર્ચના ૩૯.૬ ડિગ્રી અને ૨૦૨૧ના ૨૮ માર્ચના ૪૦.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
એન્ટિસાયક્લોનથી ગરમી વધી
ભારતીય હવામાન વિભાગના સાયન્ટિસ્ટ સુષમા નાયરે જણાવ્યું હતું કે મુંબઈ સહિત રાજ્યમાં તાપમાનનો અચાનક વધારો થવામાટે દક્ષિણ ગુજરાત સહિત પડોશી વિસ્તારમાં નિર્માણ થયલો એન્ટિસાયક્લોન જવાબદાર છે. શિયાળાથી ઉનાળામાં મોસમી સંક્રમણ દરમ્યાન તાપમાનમાં આવો વધારો અસામાન્ય નથી. હવામાં ભેજનું પ્રમાણ હજી પણ ઓછું છે અને ઉત્તર તરફથી સૂકા પવનો મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં ફૂંકાઈ રહ્યા છે. તેથી આ સમયગાળા દરમ્યાન તાપમાનમાં થોડો વધારો સામાન્ય છે.
કામચલાઉ રાહત રહેશે
હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘરમાં શુક્રવારે પણ ભારે ગરમી અને ભેજભર્યું વાતાવરણ રહેવાની ચેતવણી આપી છે. જોકે સપ્તાહને અંતે તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે, જોકે તે કામચલાઉ રાહત હોઈ શકે છે. ફોરકાસ્ટ મોડેલ મુજબ આવતા અઠવાડિયે ૧૧ માર્ચની આસપાસ દિવસના તાપમાનમાં ફરી તીવ્ર વધારાની શક્યતા છે.