મુકેશ પંડ્યા
મુંબઈમાં ગણેશોત્સવ સમયે લાખો ભક્તો ગલીએ ગલીએ ગણેશજીની મૂર્તિના દર્શન કરવા નીકળતા હોય છે. સાર્વજનિક મંડળો દ્વારા મોટા મંડપોમાં પધરાવેલ ગણેરાજીના દર્શન કરવા લાંબી લાંબી લાઇનો લાગતી હોય છે. મૂર્તિ કેટલી મોટી અને ડેકોરેશન કેટલું ભવ્ય એવી અનેક ચર્ચાઓ લોકોમાં થતી હોય છે. વિવિધ મંડળો પણ લોકોનું ધ્યાન આકર્ષવા ભવ્ય મહાકાય મૂર્તિ માટે આગ્રહ રાખતા હોય છે. મૂર્તિની ઊંચાઈ બાબતે કાયમ હોડ લાગતી હોય છે . જાહેરાતો થતી હોય છે. ટૂંકમાં મૂર્તિઓના દર્શન નહીં પણ પ્રદર્શન થતા હોય છે. આમાં ક્યારેક ભૂલેશ્વરમાં બની તેવી મૂર્તિઓ લાવવા - લઈ જવા વખતે તૂટી પડવાની જીવલેણ દુર્ઘટનાઓ પણ ઘટે છે.
ગયા વર્ષે અનેક મોટી મોટી મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કરવા માટે ઘણી તકલીફો પડી હતી. મોટી મોટી મૂર્તિઓ દરિયામાં પધરાવી તો દેવાય છે પણ બીજે દિવસે દરિયા કિનારે જે ભાંગેલી - તૂટેલી, અડધી પીગળેલી, રસ્તે રઝળતી મૂર્તિઓ જોવા મળે છે એ જોઈને ખરેખર મન અશાંત થઈ જાય છે. જે મૂર્તિઓને દસ દિવસ સુધી ઉચ્ચ સન્માન આપ્યાં તેમની અગિયારમાં દિવસે આવી અપમાનજનક હાલત?
કળિયુગમાં દર્શનને બદલે પ્રદર્શનને વધુ મહત્ત્વ અપાઈ રહ્યું છે તેથી આવી ઘટનાઓ બને એ સ્વાભાવિક છે.
વેદકાળમાં પર્યાવરણની પૂજાનું વર્ણન છે અને તેની રક્ષા અંગે કરાતા યજ્ઞોનું વર્ણન છે. મૂર્તિપૂજાનું ચલણ તો પુરાણ કાળમાં વધ્યું. શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, કે પછી રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોમાં શિવલિંગ કે વિવિધ અવતારોની મૂર્તિઓની પૂજાના ઉલ્લેખ મળી આવે છે પરંતુ એમાંય મૂર્તિઓ વિશાળ કાય હોય તો જ યોગ્ય દર્શન પૂજા કર્યા કહેવાય એવું ક્યાંય લખ્યું નથી.
મોટાભાગની પ્રજાને એ ખબર નથી કે જોવું કોને કહેવાય અને દર્શન કોને કહેવાય.
ચાલો આપણે સહુ પ્રથમ દર્શનની વ્યાખ્યા સમજીએ. દર્શન શબ્દનું મૂળ સંસ્કૃત ભાષાની `દૃશ' ધાતુ છે, જેનો અર્થ `જોવું' અથવા `નિહાળવું' થાય છે. સંસ્કૃતમાં તેની વ્યુત્પત્તિ `दृश्यते तत्वम अर्नन इति दर्शनम' એવી થાય છે. અર્થાત્, જેના દ્વારા વસ્તુ કે સત્યનું તાત્ત્વિક (સાચું) સ્વરૂપ જાણી શકાય કે જોઈ શકાય તે `દર્શન' છે.
આપણે જ્યારે કોઈ પણ મૂર્તિના દર્શન કરવા જઈએ છીએ ત્યારે તેમના રૂપ, રંગ, કદ કે વસ્ત્રભૂષા જ જોતા હોઈએ છીએ. આ માત્ર જોવાની ક્રિયા છે. આ પ્રદર્શન છે. દર્શન નથી. દર્શન એટલે તો તમે જે જુઓ છો તેનું સત્ય કે તેનું તત્ત્વ રૂપ જાણવું તે છે અને આ જાણવા માટે મૂર્તિઓના રૂપરંગ નહીં પણ તેમના ગુણતત્ત્વ જાણી આત્મસાત કરવા જોઈએ.
આ કાર્ય માટે માત્ર મૂર્તિ હોય એ જરૂરી છે. વિશાળકાય મૂર્તિ જરૂરી નથી. જે તે ભગવાનના કે અવતારના દિવ્ય ગુણોને આપણા જીવનમાં ઉતારીએ તો ખરા દર્શન કર્યા કહેવાય.
ઉદાહરણ તરીકે ગણપતિની મૂર્તિના દર્શન કરતા જ આપણને તેમના ગુણ ગ્રહણ કરવાનું ભાન થવું જોઈએ. તેમના મોટા કાન અને નાનું મોં શીખવે છે કે ચારે તરફથી જે કંઈ ખબર આવે છે એ સાંભળો ખરા પણ બોલવામાં સંયમ રાખો. તેમની ઝીણી આંખો સૂચવે છે કે કોઈ પણ વસ્તુ કે ઘટનાનું બારીકાઈથી નિરીક્ષણ કરો. તેમનું મોટું પેટ સૂચવે છે કે ઉદાર બનો. તેમની સૂંઢ અર્થાત્ લાંબું નાક સૂચવે છે કે તમારી આસપાસની પરિસ્થિતિને બરાબર સૂંધી લેતા આવડવું જોઈએ અને તે પ્રમાણે નિર્ણય લેવા જોઈએ. તેઓ ઉંદર પર સવાર છે એ સૂચવે છે કે અજ્ઞાન રૂપી અંધકાર પર જ્ઞાન રૂપી પ્રકાશ થકી વિજય મેળવો અને પ્રગતિ કરો.
તેમને ચઢાવાતી દૂર્વા અને લાડુ મોદકના પ્રસાદ સૂચવે છે કે ભાદરવાની રોગિષ્ટ ગરમીમાં ઠંડક મળે તેવા સાત્ત્વિક ભોજન કરો. ધી, ગોળ, ઘઉં અને નાળિયેર જેવાં ફળોમાંથી લાડવા કે મોદક બને છે એ ખરેખર તનમનને ઠંડક આપે એવા અને ગણપતિ જેવા બુદ્ધિ વધારે તેવા સાત્ત્વિક પ્રસાદ છે.
આ સમય ચાતુર્માસનો છે એટલે ધર્મકાર્યમાં ધ્યાન રહે એ માટે કાંદા લસણ જેવા તામસી ખોરાકનો ત્યાગ કરવો જોઈએ,પરંતુ થાય છે ઉલટું ગાણપતિની સામે બેસીને ભેળ પૂરી, વડા -પાંઉ જેવા કાંદાલસણ યુક્ત ખોરાક લોકો હોંશે હોંશે ખાતા હોય છે. તામસી ખોરાક પર દસ દિવસ પૂરતો પણ સંયમ રાખી શકતા નથી. ગણપતિનું હાથી સ્વરૂપ શાકાહારનું સેવન સૂચવે છે. હાથી ભૂખ્યો રહે પણ માંસ નથી ખાતો. છતાંય બળ - બુદ્ધિમાં નંબર વન છે. આવા ગુણો યાદ રાખવાને બદલે આજની પેઢી માંસાહાર કરવામાં પણ છોછ નથી અનુભવતી. હાથી જેવા અહિંસક ગણપતિ રૂપના દર્શન તો નામ પૂરતા જ થાય છે. જંગલી પશુને શરમ આવે એવી હિંસાખોરી માણસોમાં વધતી જાય છે.
આવું બધું એટલા માટે થાય છે કે આપણે દેવોના સાચા અર્થમાં ગુણો કે તત્ત્વોને ગ્રહણ કરીને દર્શન નથી કર્યા માત્ર પ્રદર્શન જ કર્યા છે. મૂર્તિઓની સાઈઝ વધારતા જઈને ખરેખર તો દેખાડી દેવાની ભાવના અને અહંકાર જ વધારતા જઈએ છીએ.
વળી શાસ્ત્રો તો કહે છે કે મૂર્તિપૂજા તો શરૂઆતની અવસ્થા છે પછી તો ધીરે ધીરે ધ્યાન પૂજા કરવાની હોય. જેમ નીચલું ધોરણ છોડીને વિદ્યાર્થી ઉપલા ધોરણમાં જાય તેમ મૂર્તિપૂજાનું અવલંબન છોડી મનુષ્યે આંખ મીંચીને માત્ર ધ્યાન ધરીને જ જે તે દેવના ગુણ આત્મસાત કરવા જોઈએ. ધ્યાન પૂજા કરવી જોઈએ.

આનો સીધો અર્થ એ થયો કે મૂર્તિના કદ વધારવાને બદલે તે નજર સામે ન હોય તો પણ પૂજી શકાય એ જાતનું ધોરણ - એ પ્રકારની કક્ષા ખરેખર માણસે હાંસલ કરવી જોઈએ.
મૂર્તિના વધતા જતા કદ એ માત્ર પ્રદર્શન છે. દર્શન નથી.
ગણેશોત્સવના આ છેલ્લા દિવસોમાં તમે પણ વિચારી લેજો કે તમારે ગણેશજીના દર્શન કરવા છે કે પ્રદર્શન?