મુંબઈ/નાલાસોપારા: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી પહેલાં મોટી ગણેશમૂર્તિઓ પડવાનો અને ખંડિત થવાની ઘટનાઓનો સિલસિલો યથાવત્ રહ્યો છે, પરંતુ વધતા બનાવો અંગે સોશિયલ મીડિયા પર પણ લોકોએ શુકન-અપશુકનની અટકળો વ્યક્ત કરી હતી.
નાલાસોપારાના યશવંત ગૌરવ વિસ્તારમાં શનિવારે સાંજે 6થી 7 વાગ્યાની વચ્ચે ગણેશમૂર્તિ અચાનક ધરાશાયી થતાં 4થી 5 ભક્તો તેની નીચે ફસાઈ ગયા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને કોઈને ગંભીર ઈજા પણ થઈ ન હતી, પરંતુ વીડિયો વાયરલ થયા પછી લોકોએ બાપ્પાના આગમનમાં કોઈ કચાશ કે કોઈ વિઘ્ન અંગે પણ અટકળો વ્યક્ત કરી હતી.
મળતી માહિતી મુજબ, ગણેશમૂર્તિને વર્કશોપમાંથી મંડપમાં લઈ જવામાં આવી રહી હતી. દરમિયાન અચાનક વરસાદ શરૂ થતાં મૂર્તિને ઢાંકવા માટે ભક્તોએ ઉતાવળમાં પ્રયાસ કર્યો હતો અને પ્લાસ્ટિકની શીટથી ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ભારે મૂર્તિ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને બાપાની મૂર્તિ નીચે પડી હતી. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ભક્તો મૂર્તિ નીચે ફસાયેલા જોવા મળ્યા હતા.
ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા અને મૂર્તિ નીચે ફસાયેલા ભક્તોને બહાર કાઢવામાં મદદ કરી હતી. નાલાસોપારાના પોલીસ અધિકારીએ આ પ્રકરણે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘટનામાં કોઈને પણ ગંભીર ઈજા થઈ નથી અને સંબંધિત લોકોને માત્ર સામાન્ય ઈજા પહોંચી હતી. બાદમાં મૂર્તિને સુરક્ષિત રીતે બહાર કાઢી સ્થાનિક મંડળના પરિસરમાં લઈ જવામાં આવી હતી.
#Nalasopara West: A #Ganpati idol reportedly fell onto people while being carried near the #FanFiesta Theatre in Yashwant Gaurav. The incident briefly caused panic in the area. Fortunately, everyone is safe and no serious pic.twitter.com/sV95l815Ma
— Chetna Raja (@ChetnaRaja) September 13, 2026
આ ઘટનાને ગણેશ ચતુર્થી પહેલાં મોટી ગણેશમૂર્તિ ધરાશાયી થવાની આ સળંગ ત્રીજી ઘટના છે. 22 ઓગસ્ટ, 2026ના મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં 22 ફૂટ ઊંચી ‘ભુલેશ્વરાચા રાજા’ મૂર્તિ આગમન સરઘસ દરમિયાન મૂર્તિ તૂટી પડતા બે લોકોનાં મોત થયા હતા અને પાંચ લોકોને ઈજા થઇ હતી. ત્યાર બાદ કુર્લામાં પણ સ્પીડ બ્રેકર પરથી પસાર થતી વખતે મોટી ગણેશમૂર્તિ પડી થઈ હતી તેમાં પણ લોકોને ઈજા પહોંચી હતી.
છેલ્લા એક મહિનાના સમયગાળામાં બનેલી આ ત્રણ દુર્ઘટના પગલે મોટી ગણેશમૂર્તિઓના પરિવહન અને આગમન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો નિર્માણ થયા છે. પોલીસના જણાવ્યા મુજબ કુર્લાની ઘટનામાં સ્પીડ બ્રેકર અને મૂર્તિના ભારે વજનને કારણે નિયંત્રણ ગુમાવ્યું હોવાની શક્યતા છે, જ્યારે બંને ઘટનાઓમાં રસ્તાની સ્થિતિ તથા મૂર્તિને ટેકો આપતી વ્યવસ્થાની ભૂમિકા પણ તપાસ હેઠળ છે.
ગણેશોત્સવ નજીક હોવાથી આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મૂર્તિઓના પરિવહન દરમિયાન વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. જોકે આ દુર્ઘટનાઓના પગલે હવે લોકો આવી ઘટનાને અપશુકન પણ ગણાવી રહ્યાં છે. કારણ મુંબઈમાં ધૂમધામથી ઉજવાતા ગણેશોત્સવના ઇતિહાસમાં આવી કોઈ જ ઘટના નોંધાઈ ન હોવાથી લોકોમાં ભયનો પણ માહોલ છે.