(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મની લોન્ડરિંગના કેસનો ડર બતાવ્યા પછી વૉટ્સઍપ કૉલથી વૃદ્ધાને નજરકેદમાં રાખીને લાખો રૂપિયા પડાવવાના કેસમાં પોલીસે સાયબર ઠગ ટોળકીના મુંબઈના મુખ્ય હસ્તકની ધરપકડ કરી હતી. દહિસર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ ધીરજકુમાર કેસારામ પ્રજાપતિ (28) તરીકે થઈ હતી. દક્ષિણ મુંબઈના કામાઠીપુરા વિસ્તારમાં રહેતો પ્રજાપતિ વિદેશથી ઑપરેટ થતા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલો મુંબઈનો સાગરીત હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ દહિસર પૂર્વમાં રહેતી 71 વર્ષની વૃદ્ધાએ 4 જુલાઈએ નોંધાવેલી ફરિયાદને આધારે તપાસ હાથ ધરાઈ હતી. ફરિયાદી સાથે બીજી અને ત્રીજી ઑગસ્ટ દરમિયાન સાડાચાર લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હતું. ફરિયાદીનું નામ મની લોન્ડરિંગના કેસમાં સામે આવ્યું હોવાનું બોગસ પોલીસ અધિકારીએ કહ્યું હતું. ફરિયાદીને ડરાવીને વૉટ્સઍપ કૉલથી નજરકેદમાં રાખવામાં આવી હતી. તેના બૅન્ક ખાતાની વિગતો આરોપીએ ચાલાકીથી મેળવી લીધી હતી. પછી ફરિયાદીને 4.50 લાખ રૂપિયા આરોપીએ આપેલા બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી.
આ પ્રકરણે પોલીસે તપાસ કરતાં મહાકાલ એન્ટરપ્રાઈઝીસ નામના કરન્ટ બૅન્ક એકાઉન્ટમાં આ રકમ જમા થઈ હોવાનું જણાયું હતું. આ બૅન્ક ખાતા સાથે એક ઈ-મેઈલ આઈડી લિંક હતી અને એ ઈ-મેઈલ આરોપી પાસેના મોબાઈલ ફોનથી ઑપરેટ થતો હતો. જોકે આરોપી પાસેનો મોબાઈલ નંબર અન્ય કોઈ વ્યક્તિને નામે રજિસ્ટર્ડ હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસ એ વ્યક્તિની માહિતી મેળવી રહી છે.
પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે પ્રજાપતિ તેના મોબાઈલથી ઈ-મેઈલ ઑપરેટ કરીને બૅન્કનો વ્યવહાર સંભાળતો હતો. ખાતામાં જમા થયેલી રકમ સાયબર ફ્રોડ ટોળકીને પહોંચાડી પોતાનું કમિશન મેળવતો હતો. આ રીતે કેટલા લોકોને છેતરીને નાણાં મેળવવામાં આવ્યાં છે તે અંગે પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.