Fri Sep 04 2026

Logo

બે યુવકનાં બાવીસ બૅન્ક ખાતાંમાં સાયબર ફ્રોડથી 7.42 કરોડ રૂપિયા જમા થયા

2026-08-08 18:35:23
Author: Yogesh C. Patel
બે યુવકનાં બાવીસ બૅન્ક ખાતાંમાં સાયબર ફ્રોડથી 7.42 કરોડ રૂપિયા જમા થયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
સાયબર ઠગ ટોળકીને પોતાના અને અન્ય વ્યક્તિઓનાં નામે ખોલાવવામાં આવેલાં બૅન્ક ખાતાં પૂરાં પાડનારા યુવકની ખાર પોલીસે ધરપકડ કરી હતી. આરોપી યુવક અને તેના મિત્રના નામનાં બાવીસ બૅન્ક ખાતાંમાં સાયબર ફ્રોડથી 7.42 કરોડ રૂપિયા જમા થયા હોવાનું તપાસમાં જણાયું હતું.

ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ અવિનાશ બાબાસાહેબ ખરાત તરીકે થઈ હતી. પોલીસ ખરાતના મિત્ર વિકાસ ભુજબળની શોધ ચલાવી રહી છે.

ખારમાં રહેતા ફરિયાદીનો સાયબર ઠગે ટેલિગ્રામ દ્વારા સંપર્ક સાધ્યો હતો. ઑનલાઈન ટાસ્ક પૂરી કરવા પર સારા નફાની લાલચ આપી ફરિયાદીને ચાર લાખ રૂપિયા વિવિધ બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી. બાદમાં ફરિયાદીને કોઈ વળતર કે મૂળ રકમ પણ પાછી મળી નહોતી. આખરે ફરિયાદીએ ખાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જે બૅન્ક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયાં હતાં તેની વિગતો મેળવી હતી. એ સિવાય ભારત સરકારની સાયબર હેલ્પલાઈન અને સંબંધિત પોર્ટલ પર તપાસ કરી હતી. તપાસને આધારે પોલીસે બે આરોપીને અવિનાશ ખરાત અને વિકાસ ભુજબળ તરીકે ઓળખી કાઢ્યા હતા.

ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે ખરાતને પકડી પાડ્યો હતો. ખરાત અને વિકાસ પોતાના અને અન્ય વ્યક્તિઓનાં નામે બૅન્ક ખાતાં ખોલાવી તેની કિટ સાયબર ઠગને પહોંચાડતા હતા. ખરાત અને વિકાસના નામે વિવિધ બૅન્કોમાં બાવીસ ખાતાં હોવાનું જણાયું હતું. આ ખાતાં સાયબર ફ્રોડથી રૂપિયા પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવાતાં હતાં. અત્યાર સુધી આ ખાતાઓમાં 7.42 કરોડથી વધુ રૂપિયા જમા થયા હોવાનું તપાસમાં જણાયું હતું. આ નાણાં કોને ટ્રાન્સફર કરાયાં હતાં તેની તપાસ પોલીસ કરી રહી છે.