મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પરની મુસાફરી હવે ફક્ત ઝડપી જ નહીં પણ મ્યુઝિકલ પણ બની ગઈ છે, પરંતુ વાહનચાલકો માટે 'અસામાન્ય' અનુભવ નજીકમાં રહેતા બ્રીચ કેન્ડીના રહેવાસીઓ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. રસ્તા પરથી કાર પસાર થાય ત્યારે વાગતું 'જય હો' ગીતની ફરિયાદ હવે મુખ્ય પ્રધાનના દ્વારે પહોંચી છે.
કોસ્ટલ રોડ પર વિશ્વનો પાંચમો અને ભારતનો પ્રથમ 'મ્યુઝિકલ રોડ' પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જ્યારે વાહનોના પૈડા રોડ સ્ટ્રીપ્સ પર આવે છે, ત્યારે સંગીતમય સૂર નીકળે છે. જોકે, સવારે 6 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી સતત વાગતા આ સંગીતે બ્રીચ કેન્ડી વિસ્તારના લગભગ 650 રહેવાસીને હેરાન કરી દીધા છે.
સ્થાનિક લોકોએ ફરિયાદ કરી છે કે સતત સંગીત આ વિસ્તારની શાંતિને ખલેલ પહોંચાડી રહ્યું છે અને વરિષ્ઠ નાગરિકોને ભારે અસુવિધા થઈ રહી છે. એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે કે રસ્તા પર વાગતું સંગીત વાહનચાલકોનું ધ્યાન ભંગ કરી શકે છે અને અકસ્માતોનું કારણ બની શકે છે.
વહેલી સવારથી મોડી રાત સુધી આ 'લાઈવ કોન્સર્ટ' ચાલે છે, તો "અમારે સૂવાનું ક્યારે?" "ગાડીઓ સતત દોડતી રહે છે અને ગીતો સતત વાગી રહ્યા છે; આ અનુભવ અમારા માટે 'સાઉન્ડ ઓફ સ્ટ્રેસ ' બની રહ્યો છે!" બ્રીચ કેન્ડી રેસિડન્ટ્સ એસોસિએશને જણાવ્યું.
આ ફરિયાદ બાદ બ્રીચ કેન્ડીના રહેવાસીઓના સંગઠનોએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર મોકલ્યો છે. બીજી તરફ, ભૂતપૂર્વ સાંસદ રાહુલ શેવાળેએ રહેવાસીઓના દાવાઓને ફગાવી દેતા દાવો કર્યો છે કે આ અવાજ ઇમારતો સુધી પહોંચતો નથી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું કોસ્ટલ રોડ પર મ્યુઝિકનો આ પ્રયોગ ચાલુ રહેશે કે પછી રહેવાસીઓના દબાણને કારણે વહીવટીતંત્રે આ 'સંગીત' બંધ કરવું પડશે?