મુંબઈ: મુંબઈના કોસ્ટલ રોડ પર બીએમડબ્લ્યુ દુર્ઘટનામાં ત્રણ યુવકોનાં મોત થયા બાદ હવે મૃતક ડ્રાઈવર શનાય ગજ્જર સાથે જોડાયેલો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અહેવાલ મુજબ, માર્ચમાં બનેલી એક અલગ ઘટનામાં શનાય પર કથિત રેશ ડ્રાઈવિંગનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે ગેમદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે. જોકે, આ જૂની ઘટનાની ફરિયાદ અને રવિવારે થયેલી જીવલેણ દુર્ઘટનાની તપાસ અલગ અલગ રીતે કરાઈ રહીછે.
આ પહેલા વાયરલ થયેલા વીડિયોમાં એક પુરુષ અને મહિલા શનાય સાથે કથિત રીતે તેની ડ્રાઈવિંગને લઈને બોલાચાલી કરતા જોવા મળે છે. બંનેએ તેના પર બેદરકારીથી કાર ચલાવવાનો આરોપ લગાવ્યો હોવાનો અહેવાલ છે. વાતચીત દરમિયાન બંને પક્ષે ઉગ્ર ભાષાનો ઉપયોગ થયો હતો અને દંપતીએ શનાય નશામાં હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને મહિલાના સાથીએ શનાયને કારમાંથી બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. શનાયે કારનો દરવાજો ખેંચીને તેમને કારથી દૂર રહેવા કહ્યું હોવાનું વીડિયોમાં જોવા મળે છે.
દરમિયાન, આ જ બીએમડબ્લ્યુનો રવિવારે વહેલી સવારે મુંબઈના કોસ્ટલ રોડ પર થયેલા ભયાનક અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત પહેલાં કાર આશરે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હોવાની આશંકા છે, જ્યારે કોસ્ટલ રોડની મુખ્ય કેરેજવે પર ઝડપ મર્યાદા 80 કિમી પ્રતિ કલાક છે. જોકે, કારની ચોક્કસ ઝડપ હજુ પણ તપાસનો વિષય છે અને ટેકનિકલ રિપોર્ટ તથા અન્ય પુરાવા બાદ જ સ્પષ્ટતા થશે.
પોલીસના પ્રાથમિક તારણ મુજબ, બીએમડબ્લ્યુ બેરિયર સાથે અથડાયા બાદ કોસ્ટલ રોડના એલિવેટેડ ભાગ પરથી નીચે બાંધકામ ચાલી રહેલા વિસ્તારમાં ખાબકી હતી. સીસીટીવી ફૂટેજમાં પણ કાર ઝડપથી આગળ વધતી, બેરિયર સાથે અથડાતી અને ત્યારબાદ નીચે પડતી જોવા મળે છે. આ અકસ્માતમાં બીએમડબ્લ્યુ ચલાવી રહેલા 21 વર્ષીય શનાય ગજ્જર, પાછળ બેઠેલા 19 વર્ષીય આદિત્ય જાકાસનિયા અને 17 વર્ષીય ધૈર્ય શેઠનાં મોત થયા હતા, જ્યારે આગળ બેઠેલા 20 વર્ષીય આદિત્ય ઓસવાલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
હાલ મુંબઈ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો કેસ નોંધ્યો છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે. પોલીસ કારની ઝડપ, તેની ગતિ અને બેરિયર સાથે અથડાયા બાદની દિશા સહિતના ટેકનિકલ પાસાઓની તપાસ કરી રહી છે. વધુ પુરાવા અને તપાસ બાદ આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવશે કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.