Mon Oct 05 2026

Logo

શનય વિરુદ્ધ અગાઉ ઑવરસ્પીડિંગ, પોલીસ  સ્ટેશનમાં નશામાં ગેરવર્તન કરવા બદલ ગુના

2026-09-21 20:48:35
Author: Yogesh C. Patel
શનય વિરુદ્ધ અગાઉ ઑવરસ્પીડિંગ, પોલીસ  સ્ટેશનમાં નશામાં ગેરવર્તન કરવા બદલ ગુના

મુંબઈ: કોસ્ટલ રોડ પરના બ્રિજ પરથી રવિવારે વહેલી સવારે ઉછળીને નીચે પટકાયેલી કાળા રંગની બીએમડબ્લ્યુ કાર અગાઉ પણ પૂરપાટ વેગે વાહન હંકારવાની ઘટનામાં સામેલ હતી, જેને પગલે ગામદેવી પોલીસ સ્ટેશનમાં 29 માર્ચે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો અને એ સમયે શનય ગજ્જર કાર હંકારી રહ્યો હતો.

એ સિવાય ગયા મહિને નશામાં અધિકારીઓના કામમાં અવરોધ ઊભો કરવા બદલ શનય વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. બાંદ્રામાં શનય તથા અન્ય ત્રણ જણે જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરવા અને પોલીસ સ્ટેશનની અંદર ઑન-ડ્યૂટી અધિકારીઓ સાથે ગેરવર્તન કરવાનો આરોપ હતો. ઉપરાંત શનયને ઓવરસ્પીડિંગ અને જમ્પિંગ સિગ્નલ માટે ટ્રાફિક પોલીસે દંડ્યો હતો અને તેના ચલાન પેન્ડિંગ છે, એવું જાણવા મળ્યું હતું.

તાડદેવ સ્થિત વેપારી ઓમકાર શિર્કેએ જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં તેણે નોંધાવેલી ફરિયાદમાં જે બીએમડબ્લ્યુનો ઉલ્લેખ હતો તેનો રજિસ્ટ્રેશન નંબર એ જ હતો જે રવિવારે જીવલેણ અકસ્માતમાં સામેલ કારનો હતો. તેણે 21 વર્ષના ગજ્જરની ઓળખ એ સમયે કાર હંકારનાર વ્યક્તિ તરીકે કરી હતી. 

રવિવારે વહેલી સવારે કાર હંકારી રહ્યો હતો અને અકસ્માતમાં ગજ્જર અને તેના બે મિત્રનાં મોત થયાં હતાં. વાહન અતિશય ઝડપે અને માર્ગ પર અન્ય લોકો માટે જોખમ ઊભું કરે એ રીતે ચલાવવામાં આવી રહ્યું હોવાનો શિકેએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો અને આ ફરિયાદને આધારે 29 માર્ચે ગામદેવી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાયો હતો. 

શિર્કે તેની પત્ની સાથે ોટરસાઇકલ પર રાતે ઘરે પાછા ફરી રહ્યો હતો ત્યારે બ્રીચ કેન્ડી હોસ્પિટલની નજીક પૂરઝડપે બીએમડબ્લ્યુ કારે તેમને ઓવરકેટ કર્યા હતા. શિર્કેએ કહ્યું હતું કે તેણે બાદમાં મહાલક્ષ્મી મંદિરની નજીક કારને આંતરી હતી અને તેમાં હાજર વ્યક્તિની પૂછપરછ કરી હતી, જેને પગલે તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી.