Wed Jun 10 2026

Logo

મુંબઈમાં આ વર્ષે પણ પાણીના દરમાં કોઈ  વધારો નહીં મેયરનું મુંબઈગરાને આશ્ર્વાસન પણ આવકમાં ઘટાડાની શક્યતાથી અધિકારીઓ ચિતિંત

2026-02-24 08:44:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો કારભાર પોતાના હાથમાં લેવાની સાથે જ ભાજપ-શિંદે સેનાએ સૌથી મહત્ત્વના કહેવાતા પાણીના દરમાં હાલપૂરતો કોઈ વધારો નહીં કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. સત્તાધારીના આ નિર્ણયથી જોકે પાલિકાની તિજોરીને વાર્ષિક સ્તરે ૧૦૦ કરોડ રૂપિયાથી  વધુનો ફટકો બેસી શકે છે. તેથી પાલિકાના ઉચ્ચ અધિકારીઓ એક તરફ પાલિકાની આવકમાં કેમ વધારો કરવો તેની યોજના બનાવતા હોય છે ત્યારે સત્તાધારી આ નિર્ણયથી તેમની ચિંતામાં વધારો થયો છે.

મુંબઈમાં પાણીના દરમાં દર વર્ષે આઠ ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ ૨૦૧૨ની સાલમાં મંજૂર કરવામાં આવ્યો હતો. તે મુજબ આ વર્ષે બજેટમાં તેની ઘોષણા કરવામાં આવે એવી શક્યતા હતી. જોકે મેયર રિતુ તાવડેએ પાણીના દરમાં  વધારા પર સ્થગિતી આપીને પાણીના દર સ્થિર રાખવામાં આવશે એવી જાહેરાત કરી છે. 

નોંધનીય છે કે કોરોના મહામારીને પગલે લાગુ પડેલા લોકડાઉન બાદ ૨૦૨૨ની સાલથી મુંબઈમાં પાણીના દરમાં કોઈ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. એ  બાદ લોકસભા અને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને પગલે પાણીના દરમાં વધારો આગળ ઠલવાતો રહ્યો હતો. તેથી પાલિકાની તિજોરીને વાર્ષિક ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ છેવટે આગામી નવા નાણાકીય વર્ષમાં દર વધારો લાગુ કરવાની પ્રશાસનની યોજના હતી પણ હવે મેયરે પાણીના દરમાં વધારો ફરી રોકી દીધો છે. તેથી હવે પાલિકાની તિજોરીને આ વર્ષે પણ ફટકો બેસવાનો છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાલિકાની આવકમાં જો વધારો થયો નહીંતો આગામી દિવસોમાં પાલિકાના મોટા પ્રોજેક્ટને તેની અસર થઈ શકે છે. કરવેરામાંથી આવતી રકમમાંથી જ પાલિકા પોતાના વિકાસલક્ષી પ્રોજેક્ટ અમલમાં મૂકતી હોય છે. પાણીના દર રાજકીય દૃષ્ટિએ ફાયદાકાર હોય તો પણ પાલિકા માટે આર્થિક દૃષ્ટિએ તેને નુકસાનકાર સાબિત થઈ રહ્યો છે.

મુંબઈના પાણીપુરવઠાને વધુ સક્ષમ કરવા માટે પાલિકા દ્વારા અનેક મોટા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં વોટર ટનલ, અત્યાધુનિક વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ, ગાર્ગઈ જેવા મોટા પ્રોજેક્ટ માટે મોટા પ્રમાણમાં ભંડોળની આવશ્યકતા છે. પાણીના દરના માધ્યમથી પાલિકાને આવક થતી હોય છે, જે આ પ્રોજેક્ટમાં વાપરવામાં આવતી હોય છે. જો પ્રકારે દરવધારો ટળતો રહ્યો તો ભવિષ્યમાં પાણીના મોટા પ્રોજેક્ટ માટે ભંડોળ ઊભું કરવું પણ મુશ્કેલ થઈ શકે છે.