ભુજઃ વેપારીઓને નિશાન બનાવી મોટા બિઝનેસ ઓર્ડર તેમજ નફાની લાલચ આપીને કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ટોળકીનો પૂર્વ કચ્છની આદિપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. બોર્ડર રેન્જ આઈજીપી તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષકની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે આધુનિક ટેકનિકલ સર્વેલન્સ અને શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શનની કડીઓ જોડી ઉત્તર પ્રદેશની જેલમાં બંધ આ ગેંગના બે મુખ્ય સાગરીતોની ટ્રાન્સફર વોરંટના આધારે વિધિવત ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નોઈડા ખાતે નોંધાયેલા સાયબર ક્રાઈમના એક ગુનામાં ઉત્તર પ્રદેશની ગૌતમબુદ્ધનગર-લુકસર જેલમાં બંધ આરોપી રણવીરસિંઘ સિંઘ (રહે. ગાઝિયાબાદ, યુ.પી.) અને લલીતકુમાર ભાતુ (રહે. નોઈડા, યુ.પી.) ની આદિપુર પોલીસ મથકે નોંધાયેલા કરોડોના છેતરપિંડી પ્રકરણમાં સીધી સંડોવણી બહાર આવી હતી. જેથી આદિપુર પોલીસની ટીમે કોર્ટમાંથી જરૂરી ટ્રાન્સફર વોરંટ મેળવી યુપી જેલ પહોંચી બંને આરોપીઓનો કાયદેસરનો કબજો મેળવી આદિપુર લાવી ધરપકડ દર્શાવી હતી.
પોલીસ તપાસમાં આ ઠગ ગેંગની શાતિર કાર્યપદ્ધતિ સામે આવી છે. આરોપીઓ દેશભરના ઉત્પાદકો અને વેપારીઓનો ટેલિફોનિક તથા ઓનલાઈન સંપર્ક સાધતા હતા. વેપારીઓને તેમની પ્રોડક્ટ્સના મોટા બિઝનેસ ઓર્ડર અપાવવાની અને જંગી કમિશન-નફાની લાલચ આપી સૌપ્રથમ પોતાની કહેવાતી કંપનીનું મોંઘુ સબસ્ક્રિપ્શન લેવડાવતા હતા. ત્યારબાદ માલ ખરીદનાર બોગસ ‘બાયર પાર્ટી’ સાથે મિટિંગ કરાવવા, નકલી દસ્તાવેજો તૈયાર કરવા તેમજ પ્રોસેસિંગ ફીના બહાને અલગ-અલગ બેંક ખાતાઓમાં લાખો અને કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવી રફૂચક્કર થઈ જતા હતા.
આદિપુર પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પશ્ચિમ કચ્છના ભુજ તેમજ તેલંગાણાના હૈદરાબાદ સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં સાયબર છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપીઓના રિમાન્ડ મેળવી આ રેકેટમાં સંડોવાયેલા અન્ય મળતિયાઓ તેમજ ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓની ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સફળ ઓપરેશન બાદ પૂર્વ કચ્છ પોલીસ પ્રશાસને જાહેર જનતા અને ખાસ કરીને વેપારી વર્ગને અપીલ કરી છે કે, ઓનલાઈન બિઝનેસ કે એક્સપોર્ટના નામે અજાણી કંપનીઓ કે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અપાતી લલચામણી ઓફરોથી સાવચેત રહેવું. કંપની કે પાર્ટીની સંપૂર્ણ સત્યાર્થતા અને કાયદેસરતાની ચકાસણી કર્યા વિના કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારો કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કરવા પોલીસ દ્વારા અનુરોધ કરાયો છે.
(ઉત્સવ વૈદ્ય)