Tue Oct 06 2026

Logo

હવે મધ્ય પ્રદેશમાં લઠ્ઠાકાંડઃ બે દિવસમાં દસ જણનાં મોતથી હાહાકાર, પાંચની હાલત ગંભીર

2026-09-06 14:43:00
Author: Mumbai Samachar Team
હવે મધ્ય પ્રદેશમાં લઠ્ઠાકાંડઃ બે દિવસમાં દસ જણનાં મોતથી હાહાકાર, પાંચની હાલત ગંભીર

સાગરઃ પડોશી રાજ્ય મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં લઠ્ઠાકાંડ થયો છે, જેમાં દસ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. શનિવાર અને આજે આ ઘટના બની હોવાના અહેવાલ મળ્યા છે. છેલ્લા બે દિવસમાં 10 વ્યક્તિઓના મોત નીપજ્યાનું જાણવા મળ્યું છે. ગુજરાત બાદ મધ્ય પ્રદેશમાંથી લઠ્ઠાકાંડ સામે આવતા તંત્ર દોડતું થઈ ગયુ હતું. આ લઠ્ઠાકાંડના કારણે બંડા વિસ્તારના ઘૂઘરા, જાલમપુર અને બરાજ ગામોમાં હાહાકાર મચી ગયો છે.આ લઠ્ઠાકાંડ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ છે. આ કેસમાં હજુ પણ પાંચ વ્યક્તિઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 

શું કહ્યું જિલ્લાધિકારીએ?
સાગર જિલ્લાના જિલ્લાધિકારી પ્રતિભા પાલે જમાવ્યું હતું કે, જરૂરી નથી કે, મૃત્યુ ઝેરી દારૂના કારણે થયા હોય. કેટલાક લોકો બીમાર પડ્યા છે અને કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે. કેટલાક લોકો બીમાર હોવાના કારણે પણ મૃત્યુ પામ્યા છે. સિવિલ હોસ્પિટલમાં એમની તપાસ ચાલુ છે, જ્યારે ગંભીર પાંચ વ્યક્તિઓને સાગરમાં જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેતુ ખસેડાયા છે. 

નૌરાજ અને ઘૂઘર સહિત આસપાસના વિસ્તારમાં તબીબો અને મેડિકલ પર્સનની ટીમને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. જિલ્લાધિકારીએ ગામના લોકોને એવી અપીલ કરી છે કે, છેલ્લા 24થી 48 કલાક દરમિયાન કોઈ જ પ્રકારની દારૂનું સેવન કરનારા કોઈ વ્યક્તિમાં થોડા અમથા પણ લક્ષણ જોવા મળે તો તાત્કાલિક તપાસ કરાવી લેવામાં આવે. તંત્ર દરેક કેસ પર પૂરતી તપાસ કરી રહ્યું છે અને હોસ્પિટલમાં લોકો ઝડપથી સ્વસ્થ થાય એ માટે પગલાં લેવાઈ રહ્યા છે. બંડાના પૂર્વ ધારાસભ્ય તરવર લોધીએ દાવો કર્યો હતો કે, 9 લોકોના મોત આ ઘટનામાં થયા છે. 

લોકોને અપીલ કરાઈ
બંડા, વિકાસખંડના બરાજ, ઘુઘર, નૌરાજ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આ અસર જોવા મળી છે. આ તમામ લોકોએ શનિવારની રાત્રે ડ્રિંક કર્યું એ પછી એમની તબિયત લથડી હતી. પરિવારજનો એમને લઈને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. પછી તબીબોએ તપાસ કરતા એમનું મોત થઈ ગયું હતું. 
હજુ પણ પાંચેક જેટલા દર્દીઓની સ્થિતિ ગંભીર છે. જ્યારે અન્ય ચાર વ્યક્તિનો સાગર જિલ્લા હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે. લોધીએ લોકોને અપીલ કરી હતી કે,છેલ્લા બેથી ત્રણ દિવસમાં બંડા વિસ્તારમાં કોઈ દુકાન અથવા લિકરશોપ પરથી દારૂ વેચનાર પાસેથી લિકર લઈને આ લોકોએ પીધુ હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં જઈને તેની તપાસ કરાવવામાં આવે. 
આ કેસમાં જિલ્લાધિકારીએ ખાસ તપાસના આદેશ આપ્યા છે, જ્યારે જિલ્લા પોલીસ વડાએ આ કેસને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી દીધી છે. વાત એવી પણ સામે આવી છે કે, દારૂની બોટલમાં પીણું ભરીને નકલી ક્યુઆર કોડ લગાવીને આસપાસના ગામમાં આ સ્ટોક મોકલવામાં આવતો હતો. 

પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
પોલીસ હવે આ સ્ટોક શોધવા માટે પોતાના સૂત્રોને કામ લગાવી રહી છે. સમગ્ર મામલો એવા સમયે સામે આવ્યો જ્યારે સાગર જિલ્લામાંથી દારૂનું સેવન કર્યા બાદ યુપીના એક શ્રમિકની તબિયત લથડી હતી. આ કેસમાં ઉત્તર પ્રદેશના કોઈ લિકર માફિયાઓનું નેટવર્ક સક્રિય હોવાના વાવડ મળ્યા છે, જે આવું નશીલું પીણું તૈયાર કરીને ગ્રામ્ય વિસ્તારમાં સપ્લાય કરતા હતા. ગુજરાતના ભાવનગરમાંથી લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ મધ્ય પ્રદેશમાંથી આ જ પ્રકારના નશીલા પીણાનો કેસ સામે આવ્યો છે. 

થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના લલિતપુરમાંથી આ પ્રકારનું પીણું બનાવનારની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. મધ્ય પ્રદેશ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ પ્રકારનો સ્ટોક ઉત્તર પ્રદેશથી આવ્યો હતો કે, સ્થાનિક સ્તરે તૈયાર કરવામાં આવ્યો. અહીં એ જણાવવાનું કે ગયા મહિના દરમિયાન ગુજરાતના ભાવનગરમાં પણ લઠ્ઠાકાંડને કારણે દસથી વધુ લોકોનાં મોત થયા હતા, જ્યારે એમપીમાં પણ કથિત દસેક લોકોના મોતને અહેવાલને લઈ એક મહિનામાં 20થી વધુ લોકોના પરિવાર તૂટ્યા છે, જે ગંભીર વાત છે.