Mon Oct 05 2026

Logo

માતા-પિતાના વિરોધ છતાં 20 વર્ષીય યુવતી જૈન સાધ્વી બનવા સ્વતંત્ર: એમપી હાઇ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

2026-09-10 20:19:40
Author: Mumbai Samachar Team
માતા-પિતાના વિરોધ છતાં 20 વર્ષીય યુવતી જૈન સાધ્વી બનવા સ્વતંત્ર: એમપી હાઇ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

ઇન્દોરઃ મધ્ય પ્રદેશ (એમપી) હાઇ કોર્ટે સાંસારિક જીવનનો ત્યાગ કરીને જૈન સાધ્વી બનવા માંગતી એક ૨૦ વર્ષીય મહિલાને રાહત આપતો ચુકાદો આપ્યો છે. એક પુખ્ત નાગરિક તરીકે તે પોતાના જીવન સાથે જોડાયેલા નિર્ણયો લેવા અને પોતાની પસંદગીના ધર્મનું પાલન કરવા સ્વતંત્ર હોવાનું કોર્ટે જણાવ્યું હતું.

ઇન્દોર ખંડપીઠના ન્યાયાધીશ સંદીપ એન. ભટ્ટે ૭ સપ્ટેમ્બરના મહિલાની રિટ અરજીનો નિકાલ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. મહિલાના વકીલે કોર્ટને જણાવ્યું કે તેણીએ શ્વેતાંબર જૈન ધર્મ અપનાવવાનો, દીક્ષા લેવાનો અને સાધ્વી તરીકે ધાર્મિક માર્ગે ચાલવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તેના માતા-પિતા અને સંબંધીઓ તેના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા અને તેને હેરાન કરી રહ્યા હતા. મહિલાએ અરજીમાં તાત્કાલિક પોલીસ સુરક્ષાની માંગ કરી હતી.

સિંગલ બેન્ચે તેના આદેશમાં કહ્યું કે મેં કોર્ટ સમક્ષ કરવામાં આવેલી દલીલો પર વિચાર કર્યો છે. મને લાગે છે કે અરજદાર જે ૨૦ વર્ષની છે અને ભારતની નાગરિક છે, તેને પોતાની રીતે ધર્મ અથવા ધાર્મિક રીત-રિવાજોનું પાલન કરવાનો અને પોતાની ઇચ્છા મુજબ જીવન જીવવાનો અધિકાર છે. કોર્ટે કેસના ખાસ તથ્યોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મહિલા અને તેના માતા-પિતા બંને પ્રત્યે તેને સમાન સહાનુભૂતિ છે.

કોર્ટે કહ્યું કે પરંતુ કાયદો કહે છે કે અરજદાર પુખ્ત(૧૮ વર્ષથી વધુ ઉંમર) અને ભારતનો નાગરિકો હોવાથી તેને તેના પરિવાર અને અન્ય કાનૂની અધિકારોની સુરક્ષા મેળવવાનો અધિકાર છે. જેમાં કોઇ પણ વ્યક્તિ દ્વારા કોઇ અડચણ ઊભી કરવાની કાયદાની દ્રષ્ટિએ મંજૂરી આપવામાં આવશે નહીં. 

ન્યાયાધીશે મહિલાને કહ્યું કે જો તેના માતા-પિતા અથવા કોઇ વ્યક્તિ તેના વિરુદ્ધ બળજબરીપૂર્વકના પગલાં લે છે તો તેણી મદદ માટે સંબંધિત પોલીસ સ્ટેશન અથવા અધિકારીનો સંપર્ક કરી શકે છે.