Sat May 02 2026

Logo

માનસ મંથનઃ આપણે સદ્માર્ગે કેમ નથી ચાલી શકતા?

2026-03-16 09:31:00
Author: મોરારિબાપુ
Article Image

 

મોરારિબાપુ

કેટલીયે વખત આ પ્રશ્ન રામકથામાં પૂછ્યો છે કે શું તમે રામકથા નથી જાણતા? સૌ જાણીએ છીએ. મૂળ વાત બધા જાણે છે છતાં આટલી શક્તિ, સમય અને આટલો ખર્ચ શા માટે? શું મળે છે? કોણ આપણને ખેંચે છે? આ જ પ્રમાણ છે કે બે મિનિટમાં કહી શકાય તેવી રામકથા નાની એવી વાર્તા નથી. રામકથા આપણા દેશની કોઈ ઐતિહાસિક ઘટના નથી. રામકથા એક સમ્રાટ અને તેના ચાર પુત્રોની દિવ્ય ગાથા માત્ર નથી. રામકથા રામ અને રાવણના તુમુલ સંઘર્ષની કથા નથી. એ બધું તો છે જ, પરંતુ એથી ક્યાંય વધુ પ્રભાવશાળી આ ગ્રંથ છે. ગોસ્વામીજીના ગ્રંથનો આજકાલ આટલો મહિમા કેમ છે?

વાલ્મીકિજીએ જે રામકથા લખી તે વાલ્મીકિ રામાયણ. વાલ્મીકિ રામાયણમાં મોટેભાગે જે પ્રસંગો છે તે વિષાદના પ્રસંગો છે, દુ:ખના પ્રસંગો છે. સત્યને સહન કરવા માટે સત્યનાં નિર્વહન માટે મનુષ્યને કેટલું કષ્ટ સહન કરવું પડે છે એની ભૂરી-ભૂરી પ્રશંસા એટલે વાલ્મીકિ રામાયણ. વાલ્મીકિજીનું રામાયણ સત પ્રધાન છે. એ કથા સતને પ્રધાનતા આપીને ચાલે છે અને સત્યને કારણે તેના પ્રસંગો વિષાદપૂર્ણ છે, દુ:ખમય છે.

એક રામાયણ પણ ખૂબ પ્રસિદ્ધ છે, ભગવાન વશિષ્ઠના નામથી યોગ વશિષ્ઠ, જેમાં ભગવાન રામની ઉદાસીનતાનું વર્ણન છે. જેમાં ચિત્તની પ્રધાનતા છે. વાલ્મીકિ રામાયણમાં સતની પ્રધાનતા છે. વશિષ્ઠ મહારાજે જે વર્ણન કર્યું છે તેમાં ચિત્તની સ્થિતિની પ્રધાનતા છે. વાલ્મીકિજીએ એક બીજી રામાયણનું નિર્માણ કર્યું છે જે ‘આનંદ રામાયણ’ તરીકે ઓળખાય છે. જેમાં બધા આનંદનાં જ પ્રસંગો આપણને મળે છે. મૂળ રામાયણમાં સતની પ્રધાનતા છે.

વશિષ્ઠજીએ જે વર્ણન કર્યું છે એમાં ચિત્તની પ્રધાનતા છે અને આનંદ રામાયણમાં આનંદની પ્રધાનતા છે, પરંતુ તુલસીનાં ‘રામચરિતમાનસ’માં સત, ચિત્ત અને આનંદ આ ત્રણેની પ્રધાનતા છે. ગોસ્વામીજીના રામ સચ્ચિદાનંદ છે- राम राम सच्चिदानंद दिनेसा| नहिं तहँ मोह निसा लववलेसा॥ તુલસીનાં ‘રામચરિતમાનસ’માં સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ,આ ત્રણેને મિલાવ્યા છે.

તુલસીનાં ‘રામચરિતમાનસ’નું ગાન કરવાથી, તેનું શ્રવણ કરવાથી આપણને સત્કર્મની પ્રેરણા મળે છે કે આદર્શ કર્મ કયું કહેવાય. કયા રસ્તે આપણે ચાલીએ? આ લોકને ધન્ય કરતાં કરતાં આપણે પરલોકને પણ ધન્ય કરી શકીએ. એના બધા સન્માર્ગો બતાવ્યા છે, પ્રસંગ અને પત્રોના માધ્યમ વડે. ગોસ્વામીજીએ ‘માનસ’માં ચિત્તના વિવેકને પણ ભરપૂર બતાવ્યો છે. 

જેને જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય, જેને ચિત્તનો વિવેક મેળવવો હોય, જેને મુક્તિ જોઈતી હોય, જેનામાં મુમુક્ષુ ભાવની પ્રધાનતા હોય એના સૌ માટે બધા સાધનો બતાવ્યાં છે. તુલસીનાં ‘રામચરિત-માનસ’માં આનંદની વ્યવસ્થા છે. જે જીવનું મૂળ સ્વરૂપ છે,મૂળ સ્વભાવ છે જે ભૂલાઈ ગયો છે. જે ભૂલાઈ ગયું છે તેને ગોસ્વામીજીનું ‘રામચરિતમાનસ’ ખોલી આપે છે !

તમે ધ્યાનથી જોશો તો જોઈ શકશો કે આપણે સદ્માર્ગે નથી ચાલી શકતા, સત્કર્મ નથી કરી શકતા એમાં કોણ આડું આવે છે ? મનુષ્યનો મોહ તેમાં આડે આવે છે. કદાચ તમારામાં મોહ નથી અને તમે કોઈ ખોટું કામ કરી બેસો તો તમને ક્ષમા મળી શકે. તેનો દંડ ન મળે. કળિયુગના વિધાનો પર સ્મૃતિકારોનો આ નિર્ણય છે. મોહને આધીન થઈ તમે કોઈ ખોટું કામ કરો તો દંડ મળે, પરંતુ મોહ નથી અને તમારાથી અજાણતામાં કોઈ ભૂલ થઇ જાય તો કલિયુગના જીવોને ક્ષમા મળે છે.

મારાં ભાઈ-બહેનો, મોહ આપણને સત્કર્મ કરતાં રોકે છે. કોઈ વસ્તુનો મોહ, કોઈ વસ્તુ વિશેની અજ્ઞાનતા, કોઈ વસ્તુની જડતા અને કોઈ વસ્તુ તરફની આપણી વાસના. આ બધા મોહ છે. ગોસ્વામીજી ‘અયોધ્યાકાંડ’માં પ્રતિપાદન કરે છે- જે વ્યક્તિ મોહને આધીન થઈને કર્મ છોડી દે છે, કર્મ ચૂકી જાય છે અને અકર્મ કરી લે છે. એ અફસોસ કરવાને યોગ્ય છે. મોહને કારણે સત્કર્મ ચૂકી જઈએ છીએ. મોહને કારણે આપણા ચિત્તની દશાને યોગ્ય દિશામાં વાળી શકતા નથી. 

મોહના અંધકારને કારણે આપણા ચિત્તની દશાને વિભ્રાંત કરી છે. અને મોહને કારણે જ આપણો આનંદરૂપી સૂર્ય વાદળાંઓની પાછળ છૂપાઈ ગયો છે. આપણી આ મોહ નિષા સમાપ્ત થઈ જાય અને આપણો મોહ મટે. ગોસ્વામીજી કહે છે કે ‘રામચરિતમાનસ’ના રામ સત, ચિત્ત આનંદ સ્વરૂપ છે. એવો સૂર્ય છે કે જ્યાં મોહની રાત્રિ વિલીન થઈ જાય છે. તમને સત્કર્મ કરવા માટે પથદર્શન થશે. 

આપણા ચિત્તની દશાને યોગ્ય દિશામાં વાળવા માટેનો સમય મળશે અને આપણને પરમ આનંદની ઉપલબ્ધી પણ થશે. આ કથા લોકપ્રિય અને લોકપ્રાપ્ય એટલા માટે બની છે કે એમાં સત, ચિત્ત અને આનંદ ત્રણેયનું પ્રતિપાદન થાય છે. સાતકાંડોના પ્રસંગો અને પાત્રોના માધ્યમ દ્વારા જે ઘટનાઓ ઘટી છે એની મદદથી ગોસ્વામીજી પ્રાચીન કથાને આજના કાળમાં અને સંદર્ભમાં રાખી આપણી ઘણી બધી સમસ્યાઓનો જવાબ આપે છે.

બાપ, આ કથા મનોરંજન નથી. હા, મનનું રંજન તો જરૂર થશે, પરંતુ આ કથા યોગ્ય રીતે અને અનુષ્ઠાનપૂર્વક કહેવામાં આવે અને સાંભળવામાં આવે તો નવ દિવસમાં આપણા જીવનની યાત્રા સત્કર્મ તરફ અગ્રેસર થઈ શકે છે. આપણા ચિત્તની દશા બદલી શકે છે અને આપણે આપણી જાતને આનંદથી ભરી શકીએ છીએ. આટલો ખર્ચ કર્યો છે, આટલી શક્તિ અને આટલી બુદ્ધિ જ્યારે કામે લાગી છે ત્યારે થોડી માત્રામાં પણ એનું પરિણામ આપણને મળે.
-સંકલન : જયદેવ માંકડ