મહેસાણા: ગુજરાતમાં વધુ એક કબૂતરબાજીનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાથી અમેરિકા જવાની લાલચમાં ત્રણ યુવાનોનું વિદેશમાં અપહરણ થયું છે. મહેસાણાના ગોઝારીયા ગામના કિરીટભાઈ ચૌહાણની દીકરી મમતા, ભત્રીજો ઋત્વિક અને ભાણી મયુરીને અમેરિકા મોકલવા માટે એજન્ટોએ રૂપિયા 60થી 70 લાખની માગણી કરી હતી. જોકે, કેનેડા પહોંચ્યા હોવાનું જણાવ્યા બાદ તેમનો સંપર્ક તૂટી ગયો છે અને અપહરણકર્તાઓ પરિવાર પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માગી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના મોહની વધુ એક ઘટના સામે આવી છે. મહેસાણાના ગોઝારીયા અને વડસ્મા ગામના તેમજ ગાંધીનગરની યુવતી સહિત ત્રણ યુવક-યુવતીઓનું એજન્ટ મારફતે અમેરિકા મોકલવાની લાલચ આપી કેનેડાથી અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણકારો દ્વારા પરિવારજનો પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવતા પરિવારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીના પિતાએ લાંઘણજ પોલીસ મથકે જાણવાજોગ અરજી દાખલ કરી છે.
સ્થાનિક એજન્ટે મુખ્ય એજન્ટના ભરોસે ત્રણેયને જયપુરથી એતિહાદની ફ્લાઈટમાં અબુધાબી મોકલ્યા. ત્યાંથી તેઓ ઇથોપિયાની રાજધાની એડીસ અબાબાની સ્વાઝીલેન્ડ સ્ટ્રીટમાં આવેલા GSF કેમ્પમાં રોકાયા, જ્યાં 19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોમ્બર સુધીના મહિનાના ઈ-વિઝા લીધા.
પોતાના વ્હાલસોયા બાળકો ગુમ થવાથી અને અપહરણની ઘટના સામે આવવાથી પરિવારજનોની હાલત કફોડી બની છે. ઋત્વિકની માતા સંગીતાબેન અને મમતાની માતા ગાયત્રીબેન પોતાના બાળકોને સલામત રીતે ઘરે પરત લાવવા માટે સરકાર પાસે આજીજી કરી રહ્યા છે. પરિવારના સભ્ય કનુભાઈ જનસારીએ જણાવ્યું છે કે અપહરણકર્તાઓ 1 કરોડની ખંડણી માગી રહ્યા છે.
આ સમગ્ર પ્રકરણમાં ભોગ બનનારના પિતા અને ફરિયાદી કિરીટભાઈ ચૌહાણે એજન્ટ અલ્પેશ પંચાલ અને ભાર્ગવ પટેલ મારફતે બાળકોને અમેરિકા મોકલવાનો સોદો કર્યો હોવાનો ખુલાસો કર્યો છે અને એજન્ટને 60થી 70 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનું પણ જણાવ્યું છે. બીજી તરફ, ડાંગરવા ગામનો એજન્ટ અલ્પેશ પંચાલ કબૂલી રહ્યો છે કે તેણે બાળકોને મોકલ્યા હતા અને 60 લાખ રૂપિયા બીજા એજન્ટને આપ્યા હતા.
પરિવારની ફરિયાદને આધારે લાંઘણજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. લાંઘણજ પોલીસ સ્ટેશનના પીઆઇ એ. એમ. ગેલોતે જણાવ્યું છે કે 20 સપ્ટેમ્બરે આ ત્રણેય યુવાનો અમેરિકા જવા નીકળ્યા હતા અને 22 સપ્ટેમ્બરના રોજ છેલ્લે વાતચીત થયા બાદ તેમનો કોઈ જ સંપર્ક ન થતા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
એજન્ટની મદદથી ગેરકાયદે અમેરિકા જતા ફસાયા
મહેસાણાના વડસ્મા ગામનો યુવક ઋત્વિક જનસારી, ગોઝારિયાની યુવતી મમતા ચાવડા તથા ગાંધીનગરની મયુરી કૌટુંબિક સગાં થાય છે. ત્રણેય કડીના ડાંગરવા ગામના સ્થાનિક એજન્ટ અલ્પેશની મદદથી અમેરિકા જવા નીકળ્યા હતા.
અમેરિકા જવાનું સપનું આ પરિવાર માટે અત્યારે દુઃસ્વપ્ન સાબિત થયું છે. એજન્ટોની લાલચમાં આવીને ગેરકાયદેસર રીતે વિદેશ જવાનો રસ્તો કેટલો જોખમી બની શકે છે તે આ ઘટના પરથી સાબિત થાય છે. હવે પોલીસ આ મામલાને કેવીરીતે ઉકેલે છે અને કસૂરવારો સામે કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું