Tue Oct 06 2026

Logo

આ જાણીતી ઈન્ફ્લુએન્સરને ઝાડ સાથે બાંધી જીવતી સળગાવી, 54 દિવસની લડત બાદ તોડ્યો દમ

2026-08-29 13:05:00
Author: Mayur Patel
આ જાણીતી ઈન્ફ્લુએન્સરને ઝાડ સાથે બાંધી જીવતી સળગાવી, 54 દિવસની લડત બાદ તોડ્યો દમ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર મનજીત કૌરનું 26 ઓગસ્ટે ચંદીગઢમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 28 વર્ષીય મનજીતનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ આરોપીએ તેને મોરિંડા લઈ ગયા હતા. જ્યાં વૃક્ષ સાથે બાંધીને આગ લગાવી હતી. જેમાં તે ગંભીર રીતે દાઝી હતી. હૉસ્પિટલમાં આશરે 54 દિવસની સારવાર બાદ તેણે દમ તોડ્યો હતો. તેના માતા કાંતા દેવીની ફરિયાદ પર ચંદીગઢ પોલીસે અપહરણ અને હત્યાનો મામલો નોંધી તપાસ શરૂ કરી હતી.

મનજીતની માતાના જણાવ્યા અનુસાર, 3 જુલાઈની  મોડી રાતે શુભી અને પિંડાએ મનજીતને ચંદીગઢના સેક્ટર 34માં આવેલી એક દુકાન પાસે મળવા બોલાવી હતી. આ બંને પહેલાથી જ મનજીતને ઓળખતા હતા. જ્યાં પહોંચ્યા બાદ જબરદસ્તીથી કારમાં બેસાડીને મોરિંડા લઈ ગયા હતા અને તેને વૃક્ષ સાથે બાંધીને જીવતી સળગાવી હતી.

ઘટના બાદ એક વ્યક્તિ ત્યાં પહોંચ્યો હતો અને ધાબળાથી આગ ઓલવીને તેને હૉસ્પિટલ ખશેડી હતી. દિવસો સુધી બેભાન રહ્યા બાદ તે 5 ઓગસ્ટે ભાનમાં આવી હતી. જે બાદ તેણે પરિવારને સમગ્ર ઘટના જણાવી હતી. જોકે સારવાર શરૂ હોવા છતાં તેની તબિયત દિવસેને દિવસે લથડતી જતી હતી અને 26 ઓગસ્ટે દમ તોડ્યો હતો. 

7 વર્ષના પુત્રના માથેથી માતાની છત્રછાયા છીનવાઈ

મનજીત મોહાલીના સેક્ટર-123 સન્ની એન્ક્લેવની રહેવાસી હતી. તેણે છૂટાછેડા લીધેલી હતી અને તેને 7 વર્ષનો પુત્ર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના આશરે 1.46 લાખ ફોલોઅર્સ હતા. તે પંજાબી-હરિયાણવી ગીતો પર રીલ્સ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સ સંબંધિત કન્ટેન્ટ બનાવતી હતી. યૂટ્યુબ પર પણ તેના લગભગ 4,000 સબસ્ક્રાઇબર્સ હતા. મૃત્યુ બાદ મનજીતની માતા કાંતા દેવી સેક્ટર-34 પોલીસ સ્ટેશને પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. ચંદીગઢના એસએસપી કંવરદીપ કૌરે પુષ્ટિ કરી છે કે માતાની ફરિયાદ પર અપહરણ અને હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓની શોધખોળ ચાલુ છે.

પોલીસ પર નિવેદન ન નોંધવાનો આરોપ

સેક્ટર-34 પોલીસ સ્ટેશનના પ્રભારી ઇન્સ્પેક્ટર શાદી લાલે જણાવ્યું કે તપાસ ચાલી રહી છે. પરિવારનો આરોપ છે કે ભાનમાં આવ્યા પછી મનજીતે પોતાનું નિવેદન નોંધાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. PGI પોલીસ ચોકીએ ખરડ સદર પોલીસને જાણ પણ કરી હતી, પરંતુ નિવેદન નોંધવામાં આવ્યું નહોતું. ખરડ ડીએસપી ઇશાન સિંગલાએ બેદરકારીના આરોપોને નકારતા કહ્યું કે ઘટનાસ્થળ ચંદીગઢના અધિકારક્ષેત્ર હેઠળ આવતું હોવાથી કાર્યવાહી ચંદીગઢ પોલીસે કરવાની હતી. ખરડ પોલીસે પરિવારને સહકાર આપ્યો અને FIR નોંધાવવામાં મદદ કરી હતી.

આરોપીઓની શોધમાં લાગી પોલીસ

પોલીસ સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને મનજીતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પણ તપાસ કરી રહી છે. એકાઉન્ટ પર અન્ય ઇન્ફ્લુએન્સર્સ સાથેના વિવાદ અને કેટલાક એવા વીડિયો સામે આવ્યા છે, જેમાં યુવકોને ગાળો આપતું કન્ટેન્ટ સામેલ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મનજીત કથિત રીતે એક આરોપી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. ચંદીગઢ પોલીસના ડીએસપી (સાઉથ) ગુરજીત કૌરે જણાવ્યું કે શંકાસ્પદો અંગે મહત્વની કડીઓ મળી છે અને દરોડા પાડવામાં આવી રહ્યા છે.