Mon Aug 17 2026

Logo

મમતા બેનરજીની કાર પર પોલીસની સામે જ પથ્થરમારો: ભાજપએ કરી મોટી સ્પષ્ટતા, જાણો શું છે સત્ય

2026-08-09 17:33:43
Author: Mumbai Samachar Team
Article Image

કૉલકાતાઃ સતત અને સખત રીતે ચર્ચા રહેતા પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)નાં નેતા મમતા બેનરજીએ હવે પોતાની કાર પર હુમલો થયાનો આરોપ મૂક્યો છે. એમની કાર પર પથ્થરમારો થયો હોવાનું તેમણે જણાવ્યું છે. મમતાએ ખુદ એવો આરોપ લગાવ્યો હતો કે, બૈરકપુરમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાની મુલાકાત લેવા માટે પહોંચી એ સમયે કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જો મારી કારની બારી ખુલી હોત તો પથ્થર મારા પર લાગ્યો હોત. દીદીએ એવો પણ આરોપ મૂક્યો કે, જ્યારે તેઓ એ વિસ્તારમાં ગયા ત્યારે ચોર-ચોરની નારેબાજી પણ એની વિરુદ્ધમાં કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની પોલીસ માત્ર ભાજપને જ સુરક્ષા પૂરી પાડી રહી છે. 

પોલીસ માત્ર ભાજપને સુરક્ષા આપે છે

મમતાદીદી પોતાના કાર્યકર્તાઓને મળવા માટે બૈરકપુર પહોંચ્યા હતા, જ્યાં એમની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દીદીએ કહ્યું હતું કે મારી કાર પર કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો હતો. મસમોટા પથ્થર-ઇંટ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલો એટલો હિંસક હતો કે, કારની બારી ખુલી હોત તો માથામાં પથ્થર લાગી શકે એમ હતા. પોલીસની નજર સામે આ ઘટના બની છે. આવું તો મેં અગાઉ ક્યારેય જોયું નહોતું કે, કોઈ નેતાની કાર પર પથ્થરમારો કરવામાં આવે. અમને બધાને નુકસાન થાય એમ હતું. અહીંયા પોલીસ માત્ર ભાજપને જ સુરક્ષા પુરી પાડે છે. 

આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ભાજપે પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિત ભટ્ટાચાર્યએ પ્રશ્ન કરતા કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રીની ગાડી પર કોઈ પથ્થર ફેંકે છે, માટી ફેંકે છે અથવા ચંપલ ફેંકે છે તો એને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું કોઈ રીતે સમર્થન નથી. ભાજપનો કોઈ કાર્યકર્તા આવી ઘટનામાં સામેલ નથી. અમે લોકો એવું બિલકુલ ઈચ્છતા નથી કે,રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સાથે આવો કોઈ વ્યવહાર કરવામાં આવે. આવી ઘટનાથી સમગ્ર પશ્ચિમ બંગાળની છબિ ખરડાય છે. 

ભાજપનું કોઈને સમર્થન નથી

આ પ્રકારની ઘટનાની અમે નિંદા કરીએ છીએ.આવી ઘટના પર મુખ્યમંત્રી સુવેંદુ અધિકારીની પોલીસ ટીમ યુદ્ધના ધોરણે એક્શન લેશે અને કાયદાકીય કાર્યવાહી કરશે. છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટી ઉથલપાથલ જોવા મળી છે. ખાસ કરીને ભાજપ સરકારની રચના બાદ તૃણમૂલ કોંગ્રેસના કેટલાક સાંસદોએ દાવેબાજી કરી હતી. આ પછી તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક તિરાડ પડી ગઈ હતી. આ પછી અસલી તૃણમૂલ કોંગ્રેસના હોવાપણા પર દાવેબાજી થઈ રહી હતી. 

આ સમગ્ર કેસને લઈને દિલ્હી સુધી પડઘા પડ્યા હતા. મોન્સૂન સત્ર દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ પણ વડા પ્રધાન મોદીએ પોતાના આવાસ પર યોજેલી એક બેઠકમાં ભાગ લીધો હતો અને રૂબરૂ મુલાકાત કરીને સંવાદ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના પડઘા પછી કૉલકાતા સુધી પડ્યા હતા. રિપોર્ટમાંથી વિગત એ પણ સામે આવી છે કે, આ અંદરોઅંદરનો ગણગણાટ થોડા સમય બાદ એટલે કે ચોમાસુ સત્ર પછી સપાટી પર આવી શકે એમ છે.