Wed Jun 10 2026

Logo

મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષમાં વન્ય પ્રાણીઓના હુમલામાં 420 લોકોનાં મોત...

2026-02-27 18:32:20
Author: vipulbv
Article Image

મુંબઈ: રાજ્યના વન ખાતાના પ્રધાન ગણેશ નાઈકે શુક્રવારે એવી માહિતી આપી હતી કે મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષમાં વન્ય પ્રાણીઓના હુમલામાં કુલ 420 લોકોનાં મોત થયા છે અને તેમાંથી 104 લોકોનાં મોત વાઘ અને દીપડાના કારણે થયાં છે.

વિધાન પરિષદમાં એક લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે વિદર્ભના ચંદ્રપુરમાં 2025માં 47 મોત નોંધાયા હતા અને મૃતકોના પરિવારને 8.27 કરોડ રૂપિયા નાણાકીય સહાય તરીકે આપવામાં આવ્યા છે.

ચંદ્રપુરામાં 200થી વધુ વાઘ છે. 2023-25 સુધીમાં, જિલ્લામાં વાઘના કારણે 91 મોત નોંધાયા હતા, જ્યારે અન્ય પ્રાણીઓ 10 મોત માટે જવાબદાર હતા, એવી પણ માહિતી તેમણે આપી હતી. 
જુન્નર વન્યજીવન વિભાગ (પુણે જિલ્લામાં) સાત વર્ષમાં 27 મોત નોંધાયા હતા, એમ પણ નાઈકે જણાવ્યું હતું.

રાજ્ય સરકારે 150 દીપડાઓની નસબંધી માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી હતી. કેન્દ્ર સરકારે આ દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપ્યા પછી, જુન્નરના વન અધિકારીઓએ પાંચ દીપડાઓની નસબંધી કરી હતી, એમ તેમણે જણાવ્યું હતું. 

માનવ-પ્રાણી સંઘર્ષના બનાવોને રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘સરકાર એઆઈ અને આધુનિક ટેકનોલોજીનો મોટા પાયે ઉપયોગ કરવાનું વિચારી રહી છે.’