મુંબઈઃ મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા (UCC)ના ડ્રાફ્ટને લઈને રચાયેલી સાત સભ્યોની ઉચ્ચસ્તરીય પેનલમાં આંતરિક મતભેદો હવે સપાટી પર આવ્યા છે. બોમ્બે હાઈ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આર. સી. ચવ્હાણે અચાનક રાજીનામું આપ્યાના માત્ર બે દિવસ બાદ મહારાષ્ટ્ર સરકારે નિવૃત્ત આઈએએસ અધિકારી શત્રુઘ્ન સિંહને કમિટીના ‘સભ્ય અને વરિષ્ઠ સલાહકાર’ તરીકે નિમણૂક કરી છે. શત્રુઘ્ન સિંહ એ જ પૂર્વ અમલદાર છે, જેમની 19 સપ્ટેમ્બરની કમિટી બેઠકમાં બિનસત્તાવાર હાજરી સામે જસ્ટિસ ચવ્હાણે વાંધો ઉઠાવ્યો હતો. આ મુદ્દા બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
જસ્ટિસ ચવ્હાણે પોતાના રાજીનામામાં સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે શત્રુઘ્ન સિંહ કમિટીના સત્તાવાર સભ્ય નહોતા, ત્યારે તેઓ કયા અધિકારને લઈ બેઠકમાં હાજર રહ્યા અને કમિટીને દિશા-નિર્દેશ આપવા લાગ્યા? માહિતી અનુસાર કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈએ સિંહને સલાહકાર તરીકે બેઠકમાં આમંત્રિત કર્યા હતા. જોકે, જસ્ટિસ ચવ્હાણનું કહેવું હતું કે બેઠકના એજન્ડા અથવા ઈ-મેલમાં કોઈ બહારની વ્યક્તિની હાજરી અંગે અગાઉથી જાણ કરવામાં આવી નહોતી.
નોન-મેમ્બરની હાજરી પર વિવાદ
મહારાષ્ટ્ર યુસીસી પેનલની બીજી બેઠક દરમિયાન શત્રુઘ્ન સિંહ અચાનક હાજર થયા હતા. બેઠકમાં તેમનો સભ્યો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો અને તેઓ પોતાના સૂચનો આપશે તેમ જણાવાયું હતું. જસ્ટિસ ચવ્હાણે સત્તાવાર પદ વિના કોઈ વ્યક્તિની કમિટી બેઠકમાં ભાગીદારી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમના મતે આ રીતે કોઈ ત્રીજી વ્યક્તિના હસ્તક્ષેપ નિયમોની દૃષ્ટિએ યોગ્ય નહોતું.
રાજીનામાના 48 કલાક બાદ સરકારનો નિર્ણય
વિવાદ ઊભો થયા બાદ રાજ્ય સરકારે સિંહની ભૂમિકાને સત્તાવાર સ્વરૂપ આપ્યું. મીડિયાના અહેવાલ મુજબ, 21 સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર સરકારે શત્રુઘ્ન સિંહને કમિટીના ‘મેમ્બર-કમ-સિનિયર એડવાઈઝર’ તરીકે નિયુક્ત કર્યા હતા. નિમણૂક બાદ શત્રુઘ્ન સિંહ અને કમિટીના અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈનો આ સમગ્ર વિવાદ અંગે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ બંનેએ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
જસ્ટિસ ચવ્હાણના રાજીનામાના થોડા કલાકો પહેલાં થયેલી બેઠકમાં પ્રસ્તાવિત યુસીસી અંગે લોકો પાસેથી અભિપ્રાય મેળવવા માટે તૈયાર કરવામાં આવી રહેલી પ્રશ્નાવલી પર પણ ચર્ચા થઈ હતી.
માહિતી અનુસાર જસ્ટિસ ચવ્હાણે પ્રશ્નાવલીમાં વધુ ‘સબજેક્ટિવ’ એટલે કે વ્યક્તિગત અભિપ્રાય આધારિત પ્રશ્નો સામેલ કરવાની ભલામણ કરી હતી, જેથી લોકો પોતાના વિચારો વિગતવાર વ્યક્ત કરી શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર કમિટીએ એવી પ્રશ્નાવલી સાથે આગળ વધવાનો નિર્ણય લીધો હતો, જેમાં ‘ઓબ્જેક્ટિવ' અને ‘સબ્જેક્ટિવ’ બંને પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં આ પ્રશ્નાવલી સામાન્ય લોકોના અભિપ્રાય માટે જાહેર કરવામાં આવી શકે છે. તેમાં આશરે ત્રણ ડઝન જેટલા પ્રશ્નો હોવાની શક્યતા છે. બેઠક દરમિયાન શત્રુઘ્ન સિંહે લોકો પાસેથી અભિપ્રાય મેળવવા માટે તૈયાર કરવામાં આવી રહેલી વેબસાઇટમાં જરૂરી ફેરફારો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
મહારાષ્ટ્રના લોકોને યુસીસી વિશે માહિતી આપતા પ્રારંભિક લખાણમાં ફેરફાર અને પ્રશ્નાવલીને વેબસાઇટ પર એવી રીતે મૂકવાનો સમાવેશ થાય છે કે લોકો તેને સરળતાથી શોધી અને ઍક્સેસ કરી શકે. આ સમગ્ર ઘટનાક્રમથી મહારાષ્ટ્રની યુસીસી કમિટીની કામગીરી, તેના સભ્યોની ભૂમિકા અને નિર્ણય પ્રક્રિયા અંગે ચર્ચા તેજ બની છે.