મુંબઈઃ રાજ્યમાં સેક્સ રેશિયો સુધારવા માટે સરકાર PCPNDT (Pre-Conception and Pre-Natal Diagnostic Techniques (Prohibition of Sex Selection Act) કાયદાનું કડક પાલન કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિતકરે જણાવ્યું હતું કે સરકાર સેક્સ રેશિયોમાં સુધારો કરવા માટે સ્ત્રી ભ્રૂણ હત્યાને રોકવાના હેતુથી PCPNDT કાયદાને મજબૂત કરવા માટે પગલાં લેશે.
વિધાનસભામાં NCP (SP)ના જિતેન્દ્ર આવ્હાડ દ્વારા રજૂ કરાયેલ ધ્યાન સૂચક નોટિસ પર બોલતા આબિતકરે જણાવ્યું હતું કે રાજ્યનો સેક્સ રેશિયો 2023માં 1,000 પુરુષ સામે 907 સ્ત્રીઓથી સુધરીને 2024માં 912 થયો છે અને હવે તે 913 છે. તેમણે કહ્યું કે પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ (PCPNDT) એક્ટનો અસરકારક રીતે અમલ થઈ રહ્યો છે.
"ડિકોય કેસનો ઉપયોગ કરીને 90 સ્ટિંગ ઓપરેશન દ્વારા, 627 કેસ દાખલ કરવામાં આવ્યા હતા, અને 129 ડોકટરોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા હતા," તેમણે સમયનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું.
આવ્હાડે માંગ કરી હતી કે PCPNDT કાયદાના ઉલ્લંઘનને સંગઠિત ગુનો ગણી તેના પર કડક MCOCA (મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ) લાગુ કરવામાં આવે. પ્રધાને હાલના નિયમો કડક કરવાની ખાતરી આપી, આ મુદ્દે વધુ સામાજિક જાગૃતિની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો અને તે દિશામાં સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી.
(પીટીઆઈ)