(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હોસ્પિટલમાં સારવાર માટે જતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે દવાઓના બિલ ઉપરાંત સર્જિકલ અને મેડિકલ કન્ઝ્યુમરેબલ્સનો ખર્ચ પણ મોટો બોજ બની જતો હોય છે. હવે મહારાષ્ટ્ર એફડીએના 'દબંગ' કમિશનર તુકારામ મુંઢેએ આવા જ મેડિકલ પ્રોડક્ટ્સની ખરીદી કિંમત અને એમઆરપી વચ્ચેના મોટા તફાવત પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. મહારાષ્ટ્રના એફડીએએ કરેલા સર્વેમાં કેટલીક મેડિકલ વસ્તુઓની ખરીદી કિંમત અને તેના પર છપાયેલી એમઆરપી વચ્ચે ભારે તફાવત જોવા મળ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે મુંઢેએ કેન્દ્ર સરકાર સમક્ષ આવા મેડિકલ કન્ઝ્યુમરેબલ્સના ભાવ અને માર્જિનની વ્યવસ્થાની સમીક્ષા કરવાની માંગ કરી છે.
સર્વેમાં સૌથી વધુ ચોંકાવનારું ઉદાહરણ IV ઇન્ફ્યુઝન સેટનું સામે આવ્યું છે. અહેવાલ મુજબ આ પ્રોડક્ટની ખરીદી કિંમત માત્ર ₹ 11.05 હતી, જ્યારે તેની એમઆરપી ₹ 325 દર્શાવવામાં આવી હતી. એટલે ખરીદી કિંમતની સરખામણીમાં એમઆરપીમાં આશરે 2,841 ટકાનો તફાવત નોંધાયો હતો. અહીં મહત્વની બાબત એ છે કે એમઆરપી અને હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી વસૂલવામાં આવતી અંતિમ રકમ એક જ હોય તે જરૂરી નથી.
જોકે ખરીદી કિંમત અને એમઆરપી વચ્ચેનો આટલો મોટો તફાવત હોસ્પિટલના બિલિંગમાં પારદર્શિતા અંગે સવાલ જરૂર ઊભો કરે છે. આ જ રીતે 10 મિલિલીટર સિરિન્જની ખરીદી કિંમત ₹ 6.75 હોવાનું જણાવાયું છે, જ્યારે તેની એમઆરપી ₹ 57.20 હતી. કેથેટર સહિત અન્ય મેડિકલ કન્ઝ્યુમરેબલ્સમાં પણ ખરીદી કિંમત અને એમઆરપી વચ્ચે મોટો તફાવત નોંધાયો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
The most expensive part of a hospital bill may never touch the hospital at all.
— Tukaram Mundhe (@Tukaram_IndIAS) September 15, 2026
A patient admitted for care has no way of knowing whether the price on a medical consumable reflects its actual cost or a markup fixed long before it ever reached the ward. That gap in information…
હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને IV સેટ, સિરિન્જ, કેથેટર, કેન્યુલા અને અન્ય અનેક કન્ઝ્યુમરેબલ્સની જરૂર પડી શકે છે. દર્દી અથવા તેના પરિવારજનો સામાન્ય રીતે દરેક પ્રોડક્ટની બજાર કિંમત, હોસ્પિટલની ખરીદી કિંમત અને બિલમાં વસૂલાતી રકમની અલગથી સરખામણી કરી શકતા નથી.આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને મુંઢેએ મેડિકલ કન્ઝ્યુમરેબલ્સના ભાવ અને ટ્રેડ માર્જિનમાં વધુ પારદર્શિતા લાવવાની જરૂરિયાત દર્શાવી છે.
મુંઢેની ‘સર્જિકલ સ્ટ્રાઈક’ હોસ્પિટલના બિલિંગ સુધી?
દવાઓના ભાવ અને મેડિકલ પ્રોડક્ટ્સના માર્જિન અંગે ચર્ચા વચ્ચે એફડીએ કમિશનર તુકારામ મુંઢેનું ધ્યાન હવે હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા કન્ઝ્યુમેબલ્સ તરફ ગયું છે. જો નિયમનકારી સ્તરે આ મુદ્દે આગળ કાર્યવાહી થાય છે, તો તેની સીધી અસર હોસ્પિટલોના મેડિકલ કન્ઝ્યુમેબલ્સના બિલિંગ પર પડી શકે છે. મુંઢેએ આવા ઉત્પાદનોને ભાવ નિયંત્રણના વધુ અસરકારક માળખામાં લાવવા, ઉત્પાદકથી લઈને ડિસ્ટ્રિબ્યુટર સુધીના માર્જિનની સમીક્ષા કરવા અને ટ્રેડ માર્જિન પર મર્યાદા અંગે વિચાર કરવાની જરૂરિયાત દર્શાવી છે.
મહારાષ્ટ્ર એફડીએના આ સર્વે બાદ હવે કેન્દ્ર સરકાર અને સંબંધિત નિયમનકારી સંસ્થાઓ આવા મેડિકલ કન્ઝ્યુમરેબલ્સના ભાવ અને માર્જિન અંગે શું નિર્ણય લે છે તેના પર નજર રહેશે. જો ભાવ-નિયમન અથવા માર્જિન અંગે નવી વ્યવસ્થા બને છે, તો તેનો ફાયદો દર્દીઓને હોસ્પિટલના અંતિમ બિલમાં કેટલો મળે છે તેના ઉપર હવે હોસ્પિટલના બિલથી પીડિત નાગરિકોની નજર મંડાઇ છે.