Wed Jul 29 2026

Logo

કોંગ્રેસ નેતાએ મહારાષ્ટ્રમાં છોકરીઓની સલામતીનો મુદ્દો ઉઠાવ્યો

2026-03-24 18:56:00
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચંદ્રપુર જિલ્લામાં છ સગીર છોકરીઓ ગુમ થયાના કેસને ટાંકીને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે મંગળવારે એવો દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. 
રાજ્ય વિધાનસભામાં સ્થગન પ્રસ્તાવ દ્વારા આ મુદ્દો ઉઠાવતા, તેમણે એવી માગણી કરી હતી કે તાત્કાલિક એક વિશેષ શોધ ટીમ બનાવવામાં આવે અને છોકરીઓની સલામતી સુનિશ્ર્ચિત કરવા માટે શાળાઓ અને કોલેજોમાં જાગૃતિ લાવવાના પગલાં લેવામાં આવે.

વડેટ્ટીવારે ચંદ્રપુરના બ્રહ્મપુરીમાં તાજેતરમાં નોંધાયેલા એક કેસનો ઉલ્લેખ કર્યો જ્યાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતી છ સગીર છોકરીઓ ગુમ થઈ ગઈ હતી.
‘અત્યાર સુધી ફક્ત બે છોકરીઓને શોધી શકાઈ છે, જ્યારે ચાર હજી પણ ગુમ છે. સરકાર સીસીટીવી સિસ્ટમ પર કરોડો ખર્ચ કરે છે, પરંતુ તાલુકા સ્તરે આ પદ્ધતિઓ ક્યાં છે?’ એમ તેમણે પૂછ્યું હતું. 
કોંગ્રેસના નેતાએ પોલીસની તૈયારી પર વધુ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ‘જ્યારે છોકરીઓનું અપહરણ થઈ રહ્યું છે અને તેમના મોબાઇલ ફોન બંધ આવે છે, ત્યારે પોલીસ તંત્ર શું કરી રહ્યું છે?’

વડેટ્ટીવારે મરાઠવાડા ક્ષેત્રમાં કમોસમી વરસાદ અને કરા પડવાની વાત પર પ્રકાશ પાડ્યો અને કહ્યું હતું કે નાંદેડ, હિંગોલી, ધારાશિવ અને છત્રપતિ સંભાજીનગરમાં હજારો હેક્ટર રવિ પાકને ભારે નુકસાન થયું છે.
કમોસમી વરસાદ અને કરા પડવાથી ખેડૂતો નુકસાન સહન કરી રહ્યા છે, છતાં સરકાર લોન માફી અંગે ‘ખોખલા દાવા’ કરી રહી છે. ઘણી જગ્યાએ, નુકસાનનું મૂલ્યાંકન પણ શરૂ થયું નથી, એવો તેમણે દાવો કર્યો હતો. 
પ્રતિકૂળ હવામાનને કારણે બે માનવ મૃત્યુ અને 41 પશુધનના મૃત્યુ નોંધાયા છે, એમ તેમણે જણાવ્યું હતું અને તાત્કાલિક સર્વેક્ષણ કરીને અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક નાણાકીય સહાયની માગણી કરી હતી.
‘ખેડૂતો મરી રહ્યા છે, છોકરીઓ સુરક્ષિત નથી, છતાં સરકાર સ્વ-ઘોષિત દેવદૂતોનો પીછો કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી હોય તેવું લાગે છે. શું તે પીડિત માતાપિતા અને ખેડૂતોના પોકાર સાંભળી શકતી નથી?’ એમ વડેટ્ટીવારે કહ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, નાસિકના સ્વ-ઘોષિત ગોડમેન અશોક ખરાત, જે નિવૃત્ત મર્ચન્ટ નેવી અધિકારી હોવાનો દાવો કરતા હતા અને ‘કેપ્ટન’ તરીકે જાણીતા હતા, તેમની 18 માર્ચે 35 વર્ષીય મહિલાની ફરિયાદ પર બળાત્કાર અને અન્ય ગુનાઓ માટે ધરપકડ કરવામાં આવી હતી.