મુંબઈઃ બોલિવુડની અભિનેત્રી માધુરી દીક્ષિત અને તેમના પતિ ડૉ. શ્રીરામ માધવ નેનેએ મુંબઈના પ્રાઇમ લોકેશન ગણાતા જુહૂ વિસ્તારમાં આવેલો પોતાનો એક આલીશાન એપાર્ટમેન્ટ રૂપિયા 4.40 કરોડમાં વેચી દીધો છે. વર્ષ 2012માં દંપતીએ આ ફ્લેટ રૂપિયા 1.94 કરોડમાં ખરીદ્યો હતો, જેની સરખામણીએ તેમને લગભગ 14 વર્ષના સમયગાળા બાદ 127 ટકાથી વધુનો નફો મળ્યો છે. અત્યારે આ મુદ્દે ચર્ચા થઈ રહી છે.
1.94 કરોડમાં ખરીદેલ એપાર્ટમેન્ટ 4.40 કરોડમાં વેચાયો
વિગતે વાત કરવામાં આવે તો, પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર, આ ડીલ 3 જુલાઈ, 2026ના રોજ રજીસ્ટર થઈ હતી. નવા ખરીદદાર સચિન શેખર શેટ્ટીએ આ પ્રોપર્ટી માટે રૂપિયા 26.40 લાખની સ્ટેમ્પ ડ્યુટી અને રૂપિયા 30,000ની રજીસ્ટ્રેશન ફી ચૂકવી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.
જુહૂના પ્રાઇમ લોકેશનમાં આવેલો છે એપાર્ટમેન્ટઆ ફ્લેટ જુહૂ વિલે પાર્લે ડેવલપમેન્ટ (JVPD) સ્કીમના મિલિટરી રોડ પર આવેલી 'ધ દીપ વર્ષા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ'ના 'આઇરિસ પાર્ક' બિલ્ડિંગના નીચલા માળે આવેલો છે. દસ્તાવેજો પ્રમાણે આ ફ્લેટનો કાર્પેટ એરિયા 774 ચોરસ ફૂટ છે. નોંધનીય છે કે, આ એપાર્ટમેન્ટ સાથે જોડાયેલી સ્ટિલ્ટ પાર્કિંગની જગ્યાને માધુરી દીક્ષિતે 15 ડિસેમ્બર, 2025ના રોજ એક અન્ય ખરીદદારને અલગથી વેચી દીધી હતી.
8 મહિનામાં માધુરી દીક્ષિતે આ ત્રીજી પ્રોપર્ટી વેચી
છેલ્લા 8 મહિના દરમિયાન માધુરી દીક્ષિતે મુંબઈમાં પ્રોપર્ટી વેચી હોય તેવો આ ત્રીજો કિસ્સો છે. આ પહેલા ડિસેમ્બર 2025માં દંપતીએ આ જ બિલ્ડિંગમાં આવેલો 780.13 ચોરસ ફૂટનો બીજો એક ફ્લેટ રુપિયા 3.90 કરોડમાં વેચ્યો હતો. જે તેમણે 13 વર્ષ અગાઉ રૂપિયા 1.95 કરોડમાં ખરીદ્યો હતો. તે પછી જૂન 2026માં અંધેરી વેસ્ટના ઓશિવારામાં આવેલા મોર્યા લેન્ડમાર્ક II બિલ્ડિંગમાં 1,594.24 ચોરસ ફૂટનો કોમર્શિયલ ઓફિસ સ્પેસ રૂપિયા 4.85 કરોડમાં 'ફ્રેમ્સ પ્રોડક્શન કંપની પ્રાઇવેટ લિમિટેડ'ને વેચ્યો હતો. આ ઓફિસ તેમણે 18 વર્ષ પહેલાં માત્ર રૂપિયા 52.5 લાખમાં ખરીદી હતી. આ ઓફિસ વેચીને અભિનેત્રીએ 824% નફો મેળવ્યો હતો.
સેલેબ્સ માટે હોટસ્પોટ કેમ છે જુહૂ?
મુંબઈનો જુહૂ વિસ્તાર બોલિવૂડ સેલેબ્સ માટે હંમેશા પ્રથમ પસંદગી રહ્યો છે. અમિતાભ બચ્ચન અને વરુણ ધવન જેવા સુપરસ્ટાર્સ સહિત અનેક મોટા પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ આ વિસ્તારમાં રહે છે. જુહૂ વિસ્તાર ઘણો મોંઘો વિસ્તાર મનાય છે. કારણ કે, આ વિસ્તારમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાગ પ્રતિ ચોરસ ફૂટે 60 હજારથી લઈને 1 લાખ સુધી બોલાય છે. આ સાથે અંધેરી, ગોરેગાંવ, બાંદ્રા અને ખારમાં આવેલા સી-ફેસિંગ એપાર્ટમેન્ટ્સ અને બંગલાઓને કારણે આ વિસ્તારની ડિમાન્ડ સતત ઊંચી રહે છે.