Fri Jul 24 2026

Logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ અમદાવાદમાં કોંગ્રેસના કયા કયા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું?

2026-04-15 13:31:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે.  અમદાવાદમાં વધુ બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ થયા હતા. કોંગ્રેસના ઉમેદવાર રમીલા ઠાકોરે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર રીટાબેન ઠાકોર બિનહરીફ થયા હતા.

સરખેજ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર વારિસ સૈયદે ઉમેદવારી પરત ખેંચી હતી. અગાઉ ભરત ભરવાડે ઉમેદવારી પરત ખેંચી હતી. આ પહેલા વાસણા વોર્ડના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. 

વડોદરામાં વોર્ડ નંબર 11માં કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું હતું. તેણે કહ્યું કે, કોઈના દબાણમાં આવીને આ પગલું નથી લીધું. હું બીજા વોર્ડમાં રહું છું અને મને અન્ય વોર્ડમાંથી ટિકિટ ફાળવવામાં આવી હતી. તેથી મેં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા અંગે  ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે ઉમેદવારોએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેમને ટિકિટ આપવામાં આવી હતી. સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જેની સામે કેસ હોય અથવા અન્ય કોઈ કારણોસર ધમકી આપવામાં આવી રહી છે. યેનકેન પ્રકારે ઉમેદવારી પાછી ખેંચાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદ શહેરના દાણીલીમડા વોર્ડના AIMIMના બે અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા હતા. ત્રણેય ઉમેદવારે દાણીલીમડા વોર્ડમાંથી ફોર્મ પાછા ખેંચ્યા હતા અને વિધિવત રીતે  કોંગ્રેસમાં જોડાયા હતા. AIMIMમાંથી પઠાણ અશફાકખાન અને કરિશ્મા કુરેશી તથા આમ આદમી પાર્ટીમાંથી શહેઝાદ પટણીએ ફોર્મ પરત ખેંચ્યું હતું.