લાતુર: લાતુરમાં જૂની દુશ્મનાવટને પગલે યુવાનની ચાકુ હુલાવી કથિત હત્યા કરવામાં આવતાં પોલીસે નગરસેવક સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ પરળીમાં રહેતા બાબા અલી શેખ (38) તરીકે થઈ હતી. શેખ ત્રણ મિત્ર સાથે લાતુર આવ્યો હતો. ચારેય જણ બુધવારની રાતે 11 વાગ્યાની આસપાસ ઓમસાનપુરાની હોટેલમાં જમવા ગયા હતા.
શેખ મિત્રો સાથે હોટેલ બહાર નીકળ્યો ત્યારે આરોપીઓ સાથે તેનો વિવાદ થયો હતો. એક આરોપી શેખની છાતીમાં ચાકુ હુલાવ્યું હતું, જેને પગલે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટના બાદ આરોપી પરળીના નગરસેવક ખાલેદ શેખ, અલફાઝ પઠાણ અને ઉમર ફરાર થઈ ગયા હતા. પોલીસ ત્રણેયની શોધ ચલાવી રહી છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે શેખ અને આરોપી વચ્ચે છેલ્લાં કેટલાંક વરસથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને પગલે યોજનાબદ્ધ રીતે તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસનું માનવું છે. (પીટીઆઈ)