અબુધાબી: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવને કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ભયાનક પરિસ્થિતિની સીધી અસર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પડી રહી છે, જેના કારણે પર્યટન અને વેપારના હબ ગણાતા દુબઈમાં હજારો લોકો અટવાઈ પડ્યા છે. મનોરંજન જગતના અનેક સિતારાઓ પણ આ સ્થિતિનો શિકાર બન્યા છે, જેમાં બોલીવુડની જાણીતી અભિનેત્રી લારા દત્તાનું નામ પણ સામે આવ્યું છે. લારાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કરીને ત્યાંની ડરામણી સ્થિતિ વર્ણવી છે.
લારા દત્તાએ વીડિયોમાં જણાવ્યું કે તે છેલ્લા ત્રણ વર્ષથી દુબઈને જ પોતાનું ઘર માને છે, પરંતુ હાલની સ્થિતિ અત્યંત ભયાનક છે. લારા પોતાની દીકરી સાયરા સાથે ત્યાં ફસાયેલી છે. તેણે જણાવ્યું કે, "જ્યારે હું એક બ્રાન્ડ શૂટ માટે સ્ટુડિયોમાં હતી, ત્યારે જ મેં મિસાઈલ અને ધડાકાના અવાજો સાંભળ્યા. અમે જીવ બચાવવા સ્ટુડિયોમાંથી બહાર ભાગ્યા અને નજરે જોયું કે આકાશમાં મિસાઈલોને રોકવામાં આવી રહી હતી. સતત જેટ્સ ઉડી રહ્યા છે અને ધડાકાઓને કારણે ઘરની બારીઓ પણ ધ્રૂજી ઉઠી હતી."
અભિનેત્રી લારા દત્તા હાલ ખૂબ જ નર્વસ છે કારણ કે તેના પતિ મહેશ ભૂપતિ અત્યારે કામના અર્થે શહેરની બહાર છે. આવી કટોકટીમાં દીકરી સાથે એકલા હોવાથી તે ભાવુક થઈ ગઈ છે. લારાના આ વીડિયો પર બોલીવુડના કલાકારો પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિનેતા સુધાંશુ પાંડેએ તેને હિંમત રાખવા અને જલ્દી બધું ઠીક થઈ જશે તેવી આશા વ્યક્ત કરી છે. લારાએ વધુમાં જણાવ્યું કે તે કોઈપણ રીતે ભારત પરત ફરવા માટે પ્રયત્નશીલ છે.
વિષમ પરિસ્થિતિ હોવા છતાં લારાએ UAE સરકારના વખાણ કર્યા છે. તેણે કહ્યું કે સરકાર દરેક નાગરિક અને પર્યટકનું ધ્યાન રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે, લારા પહેલા સોનલ ચૌહાણ અને ઈશા ગુપ્તા પણ દુબઈમાં ફસાઈ ગઈ હતી, જેમાં સોનલે તો પીએમ મોદી પાસે પણ મદદ માંગી હતી. જોકે, આ કલાકારો હવે ભારત પરત ફરી ચૂક્યા છે. બીજી તરફ, અભિનેતા સોનુ સૂદ પણ હંમેશની જેમ મુશ્કેલીમાં મુકાયેલા લોકોની વ્હારે આવ્યો છે અને મદદનો હાથ લંબાવ્યો છે.